લંડનઃ લંડનમાં રહેતા સાત વર્ષના ભારતીય મૂળના બાળક જિવ્યાન રેડ્ડી ધ્રુવાએ પોતાની અસાધારણ બૌદ્ધિક ક્ષમતાનો પરિચય આપતા જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (GCSE) મેથ્સની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. સામાન્ય રીતે 16 વર્ષના કિશોરો દ્વારા આપવામાં આવતી આ પરીક્ષામાં જિવ્યાને 240માંથી 196 ગુણ મેળવીને ગ્રેડ 8 (A ગ્રેડની સમકક્ષ) પ્રાપ્ત કર્યો છે.
વેસ્ટ લંડનના સાઉથ રૂઇસ્લિપ વિસ્તારમાં રહેતા જિવ્યાનના માતા-પિતા મૂળ આંધ્રપ્રદેશના છે. તેના પિતા ધ્રુવા કટ્ટા એઆઈ એન્જિનિયર છે. તેમણે જણાવ્યું હતું કે જિવ્યાન સામાન્ય શાળામાં અભ્યાસ દરમિયાન કંટાળો અનુભવતો હતો અને તેની શીખવાની ઝડપ વધારે હોવાથી આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી તેને હોમ-સ્કૂલિંગ શરૂ કરાવ્યું હતું. પિઅર્સન એડએક્સેલ GCSE હાયર મેથેમેટિક્સની આ પરીક્ષા તેણે મે મહિનામાં આપી હતી, જેનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે.
આ સિદ્ધિથી ઉત્સાહિત જિવ્યાને જણાવ્યું કે તે હવે આગળ A-લેવલ મેથ્સ અને ફર્ધર મેથ્સનો અભ્યાસ કરવા માંગે છે. ભવિષ્યમાં રોબોટિક્સ ક્ષેત્રે સંશોધન કરીને માનવજાતને ઉપયોગી થાય તેવા આવિષ્કારો કરવાની તેની ઈચ્છા છે. અભ્યાસમાં અસાધારણ પ્રતિભા ધરાવવાની સાથે જિવ્યાન ચેસ, ફુટબોલ અને ટેનિસ જેવી રમતોનો પણ શોખીન છે. તેના પિતાના જણાવ્યા મુજબ, બાળક પર કોઈપણ પ્રકારનું દબાણ લાવ્યા વગર તેની જિજ્ઞાસાવૃત્તિ અને સામાન્ય બાળપણ જળવાઈ રહે તે રીતે તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.


