લંડનઃ બ્રિટનમાં ઓનલાઇન માધ્યમથી ઓછામાં ઓછી 70 જેટલી નાની છોકરીઓનું શારીરિક શોષણ કરવાના ગુનામાં એક ભારતીય પીએચડી વિદ્યાર્થીને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
27 વર્ષીય બિલાલ કાઝી નામના આ ભારતીય વિદ્યાર્થીએ ઓનલાઇન રીસ નામના એક કિશોર છોકરા તરીકેની નકલી ઓળખ ઊભી કરીને 70થી વધુ છોકરીઓને છેતરી હતી અને તેમની પાસેથી વાંધાજનક તસવીરો મંગાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર સોનેરી વાળ ધરાવતા કિશોર તરીકેનું નકલી પ્રોફાઇલ બનાવ્યું હતું. તે 10 વર્ષ જેટલી નાની ઉંમરની છોકરીઓ સાથે વાતચીત કરતો અને તેમને પ્રેમસંબંધમાં હોવાનો વિશ્વાસ અપાવતો હતો. ત્યારબાદ કાઝી તેમની પાસેથી અશ્લીલ તસવીરોની માંગણી કરતો અને જો તેઓ ઇનકાર કરે તો તેમને ધમકીઓ આપતો હતો.
જજ સ્ટીવન એવરેટે જણાવ્યું હતું કે કાઝીએ એવા બાળકોને નિશાન બનાવ્યા હતા જેઓ પોતાના જ ઘરમાં સુરક્ષિત હોવાનું માનતા હતા. કાઝીએ સોશિયલ મીડિયા સાઇટ્સ પર યોગ્ય સુરક્ષાના અભાવનો ફાયદો ઉઠાવ્યો હતો, જે યુવા પેઢીનું શોષણ થતું અટકાવવા માટે હોવી જોઈતી હતી.
અહેવાલો અનુસાર, કાઝી મૂળ મુંબઈનો રહેવાસી છે અને તેણે યુકેની યુનિવર્સિટી ઓફ ચેસ્ટરમાંથી કેમિસ્ટ્રીમાં પીએચડીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો હતો. જોકે, પાછળથી કાઝી પોતાના સ્ટુડન્ટ વિઝાની અવધિ પૂરી થઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે ત્યાં રોકાયો હતો.


