લંડનઃ સરકાર રોડ સેફ્ટી કાયદાઓમાં ધરમૂળથી પરિવર્તન કરવા જઇ રહી છે જે અંતર્ગત 70 વર્ષથી વધુ વયના વાહનચાલકો માટે આંખોની ચકાસણી ફરજિયાત કરાશે. આઇ-ટેસ્ટમાં નિષ્ફળ જનારના વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકાશે. તે ઉપરાંત સરકાર ડ્રિન્ક-ડ્રાઇવ લિમિટ ઘટાડશે અને સીટ બેલ્ટ નહીં પહેરનાર વાહનચાલકને પેનલ્ટી પોઇન્ટ્સની સજા કરાશે.
આગામી ઓટમમાં સરકાર દ્વારા નવી નીતિની જાહેરાત કરાશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર 2006માં ટોની બ્લેર સરકાર દ્વારા રોડ સેફ્ટી એક્ટમાં સુધારા કરાયા બાદના આ સૌથી મોટા સુધારા બની રહેશે. બ્રિટનમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં લેતાં આ પગલું અનિવાર્ય બની રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1633 લોકોના મોત થયાં હતાં અને 28000ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સરકારનું માનવું છે કે નબળી દ્રષ્ટિ ધરાવતા વૃદ્ધોના કારણે અકસ્માતો વધી રહ્યાં છે. યુરોપમાં સૌથી હળવા ટ્રાફિક નિયમો છે. 60 વર્ષથી વધુ વયના વાહનચાલક દ્વારા થતા અકસ્માતની સંખ્યામાં વર્ષ 2010 બાદ 47 ટકાનો વધારો થયો છે.