755 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બ્રિટનને મળશે લેડી ચીફ જસ્ટિસ

વિક્ટોરિયા શાર્પ અને સૂ કાર્ર આ હોદ્દાના પ્રબળ દાવેદાર

Tuesday 13th June 2023 13:27 EDT
 
 

લંડનઃ યુકેમાં છેલ્લા 755 વર્ષથી પુરુષોના આધિપત્યમાં રહેલા લોર્ડ ચીફ જસ્ટિસના હોદ્દા પર પહેલીવાર કોઇ મહિલાની નિયુક્તિ થવા જઇ રહી છે. આ હોદ્દાની રેસમાં સીનિયર હાઇકોર્ટ જજ 67 વર્ષીય ડેમ વિક્ટોરિયા શાર્પ અને અપીલ કોર્ટના જજ 58 વર્ષીય ડેમ સૂ કાર્ર મેદાનમાં છે. તાજેતરમાં જ એક વિશેષ પેનલ દ્વારા તેમના ઇન્ટર્વ્યૂ કરાયા હતા.

લોર્ડ ચાન્સેલર અને જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાક દ્વારા આગામી પખવાડિયામાં યુકેના સૌપ્રથમ મહિલા લોર્ડ ચીફ જસ્ટિસના નામની જાહેરાત કરાય તેવી સંભાવના છે. આ માટે એલેક્સ ચાક અને વડાપ્રધાન દ્વારા સંભવિત નામની ભલામણ કિંગ ચાર્લ્સને મોકલી અપાશે. કિંગની મંજૂરી બાદ આ જાહેરાત કરાશે. ઇ.સ.1268માં લોર્ડ ચીફ જસ્ટિસના હોદ્દાની સ્થાપના કરાઇ ત્યારથી અત્યાર સુધીમાં 100થી વધુ વ્યક્તિ આ હોદ્દા પર આરૂઢ થઇ પરંતુ તેમાં કોઇ મહિલાનો સમાવેશ થતો નથી.

હવે જ્યારે યુકેને નવા ચીફ લોર્ડ જસ્ટિસ મળવા જઇ રહ્યાં છે ત્યારે લેડી ચીફ જસ્ટિસના ટાઇટલ માટે કાયદામાં સુધારો કરવો પડશે. ડેમ વિક્યોરિયા શાર્પ આ હોદ્દા માટે ફેવરિટ ગણાય છે. તેઓ હાલના લોર્ડ ચીફ જસ્ટિસ બર્નેટના ડેપ્યુટી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter