755 વર્ષના ઇતિહાસમાં સૂ કાર્ર ઇંગ્લેન્ડ અને વેલ્સના સૌપ્રથમ મહિલા લોર્ડ ચીફ જસ્ટિસ પદે નિયુક્ત

સંગીતના શોખીન એવા સૂ કાર્ર હાલના લોર્ડ ચીફ જસ્ટિસ આયાન બર્નેટનું સ્થાન લેશે

Tuesday 20th June 2023 12:41 EDT
 
 

લંડનઃ યુકેના પીઢ લોયર અને અપીલ કોર્ટના જજ ડેમ સૂ કાર્રની ઇંગ્લેન્ડ અને વેલ્સના લોર્ડ ચીફ જસ્ટિસ પદે નિયુક્તિ કરવામાં આવી છે. આ હોદ્દો છેલ્લા 755 વર્ષથી એટલે કે 13મી સદીથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અસ્તિત્વ ધરાવે છે. ડેમ સૂ કાર્ર હાલના લોર્ડ ચીફ જસ્ટિસ આયાન બર્નેટનું સ્થાન લેશે. તેઓ સપ્ટેમ્બરના અંતમાં નિવૃત્ત થવાના છે.

સૂ કાર્રે 1987થી બેરિસ્ટર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને હેગ ખાતેની ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં પણ તેઓ કામ કરી ચૂક્યાં છે. 2009માં તેમની વરણી ક્રિમિનલ જજ તરીકે કરાઇ હતી. 2020થી તેઓ અપીલ્સ કોર્ટમાં જજ તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક અને 3 સંતાનોની માતા એવા ડેમ સૂ કાર્ર સંગીતનો વિશેષ શોખ ધરાવે છે. તેઓ લોયર્સ ક્વાયરના સભ્ય છે અને પિયાનો વગાડે છે. યુકેની સરકાર અદાલતોમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા વધારવાના પ્રયાસ કરી રહી છે. યુકેની અદાલતોમાં બે તૃતિયાંશ જજ પુરુષ છે. તે ઉપરાંત વંશીય લઘુમતી સમુદાયના લોકોને પણ ન્યાય વ્યવસ્થામાં ઘણું ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં અશ્વેત ન્યાયાધીશોની સંખ્યા ફક્ત 1 ટકો છે.

યુકેમાં છેલ્લા 755 વર્ષથી પુરુષોના આધિપત્યમાં રહેલા લોર્ડ ચીફ જસ્ટિસના હોદ્દા પર પહેલીવાર કોઇ મહિલાની નિયુક્તિ થવા જઇ રહી છે. આ હોદ્દાની રેસમાં સીનિયર હાઇકોર્ટ જજ 67 વર્ષીય ડેમ વિક્ટોરિયા શાર્પ અને અપીલ કોર્ટના જજ 58 વર્ષીય ડેમ સૂ કાર્ર મેદાનમાં હતાં. તાજેતરમાં જ એક વિશેષ પેનલ દ્વારા તેમના ઇન્ટર્વ્યૂ કરાયા હતા.

ઇ.સ.1268માં લોર્ડ ચીફ જસ્ટિસના હોદ્દાની સ્થાપના કરાઇ ત્યારથી અત્યાર સુધીમાં 100થી વધુ વ્યક્તિ આ હોદ્દા પર આરૂઢ થઇ પરંતુ તેમાં કોઇ મહિલાનો સમાવેશ થતો નથી.

હવે જ્યારે યુકેને નવા ચીફ લોર્ડ જસ્ટિસ મળવા જઇ રહ્યાં છે ત્યારે લેડી ચીફ જસ્ટિસના ટાઇટલ માટે કાયદામાં સુધારો કરવો પડશે. ડેમ વિક્યોરિયા શાર્પ આ હોદ્દા માટે ફેવરિટ ગણાય છે. તેઓ હાલના લોર્ડ ચીફ જસ્ટિસ બર્નેટના ડેપ્યુટી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter