લંડનઃ સિટી ઓફ લંડન કોર્પોરેશને 13 ડિસેમ્બર 2023ના રોજ લંડનમાં સ્થિત ભારતીય બેન્કોના વરિષ્ઠ અધિકારીઓનું સન્માન કર્યું હતું. જેમાં 8 અગ્રણી ભારતીય બેન્કરોને સિટી ઓફ લંડન ફ્રીડમ ઓનર્સથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન પ્રાપ્ત કરનારમાં બેન્ક ઓફ બરોડાના મધુર કુમાર, બેન્ક ઓફ ઇન્ડિયાના મનિષ ગુપ્તા, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કના અશોક કુમાર વર્તિયા, ઇન્ડસઇન્ડ બેન્કના શારૂખ ટી વાડિયા, ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીના રાકેશ કુમાર, આઇસીઆઇસીઆઇ બેન્કના લોકનાથ મિશ્રા, એસબીઆઇના સુધીર કુમાર શર્મા અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના અરબિન્દકુમાર ચૌધરીનો સમાવેશ થાય છે.
લંડનના લોર્ડ મેયર માઇકલ મેઇનેલ્લીએ જણાવ્યું હતું કે, શહેરમાં ભારતીય બેન્કરોને નોમિનેટ કરવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે. બ્રિટિશ અને ભારતીય મૂડીરોકાણો યુકે અને ભારતમાં લાખો નોકરીઓને સહાય કરે છે. ભારતીય બેન્કરોના યોગદાન માટે લંડન શહેર આભારી છે.
સિટી ઓફ લંડન કોર્પોરેશનના પોલિસી ચેરમેન ક્રિસ હેયવર્ડે જણાવ્યું હતું કે, અગ્રણી ભારતીય બેન્કરોનું સન્માન થતાં જોઇને હું ઘણો રોમાંચિત છું. સિટી કોર્પોરેશન માટે ભારત લાંબા સમયથી મહત્વનું બજાર રહ્યો છે. હું ભવિષ્યમાં પણ બંને દેશ વચ્ચે મહત્વની ભાગીદારીઓની આશા રાખું છું.


