8 બેન્કો દ્વારા 1,40,000 નાના વ્યવસાયોના બેન્ક ખાતા બંધ કરાયાં

ખાતા બંધ કરવા બેન્કોએ આપેલા કારણો સામે વ્યાપક સવાલો સર્જાયાં

Tuesday 05th March 2024 11:21 EST
 

લંડનઃ સંસદીય સમિતિ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ગત વર્ષે યુકેની સૌથી મોટી 8 બેંકો દ્વારા 1,40,000 થી વધુ વ્યવસાયોના ખાતા બંધ કરાયાં હતાં. આર્થિક અપરાધ અને છેતરપિંડીના જોખમો, માહિતી આપવામાં ગ્રાહકોની નિષ્ફળતા અને બેન્કો પર જોખમની સંભાવના જેવા કારણો આપીને નાના અને મધ્યમ ઉદ્યોગોના બેન્ક ખાતા બંધ કરી દેવાયાં હતાં.

હાઉસ ઓફ કોમન્સની ટ્રેઝરી કમિટી દ્વારા નાના વ્યવસાયકારોને ઉપલબ્ધ ફાઇનાન્સ પરની તપાસના ભાગરૂપે જારી કરાયેલી માહિતી અનુસાર આ આઠ મોટી બેન્કોમાં નાના અને મધ્યમ બિઝનેસ 5.3 મિલિયન ખાતા ધરાવે છે. જેમાંથી 2.7 ટકા બેન્ક ખાતા બંધ કરાયાં છે.

બેન્કો દ્વારા વ્યક્તિઓ અને નાના વ્યવસાયોના ખાતા બંધ કરવાના કારણો અંગે વ્યાપક પ્રશ્નો ઉભા થયા છે. કમિટી દ્વારા ધિરાણકર્તાઓને ડિસેમ્બરમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ કેટલા SME ખાતા ધરાવે છે, પાછલા વર્ષમાં કેટલા ખાતા બંધ થયા છે તેના કારણો આપે. આ આંકડા બિગ ફોર - બાર્કલેઝ, એચએસબીસી, લોઈડ્સ અને નેટવેસ્ટ — તેમજ હેન્ડલ્સબેન્કન, મેટ્રો, સેન્ટેન્ડર અને ટીએસબી તરફથી અપાયેલી માહિતી પર આધારિત છે. તમામ બેન્કોએ ખાતા બંધ કરવા માટે નાણાકીય અથવા આર્થિક ગુનાની ચિંતાઓને મુખ્ય કારણ ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter