લંડનઃ એક દાયકા સુધી 8 સગીરાઓનું શારીરિક શોષણ કરનારા નરાધમોની એક ગેંગના 24 સભ્યોને કુલ 346 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. 1999થી 2012ની વચ્ચે વેસ્ટ યોર્કશાયરના નોર્થ કિર્કલીસ વિસ્તારમાં આ ગેંગ સક્રિય હતી. વેસ્ટ યોર્કશાયર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા એક અભિયાનના પગલે આ ગેંગ ઝડપાઇ હતી અને તેમની વિરુદ્ધ બળાત્કાર, શારીરિક શોષણ અને ટ્રાફિકિંગના પુરાવા મળી આવ્યાં હતાં.
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી સુનાવણીમાં ગયા સપ્તાહમાં લીડ્સ ક્રાઉન કોર્ટ દ્વારા આ ગેંગના છેલ્લા 7 સભ્યોને સજાની સુનાવણી કરાઇ હતી. પોલીસે નવેમ્બર 2018માં આ ગેંગની ધરપકડ કરી હતી અને ડિસેમ્બર 2020માં તેમની સામે આરોપ ઘડાયા હતા. સજાની સુનાવણીનો પ્રારંભ 2022થી કરાયો હતો.
ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર ઓલિવર કોટ્સે આ ગેંગ દ્વારા પીડિત સગીરાઓનો આગળ આવીને પુરાવા આપવા માટે આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પીડિતાઓના સાહસના કારણે અમે આ અપરાધીઓ સામે પગલાં લઇ શક્યાં છીએ.


