લંડનઃ આર્થિક વિકાસને વેગ આપવા સરકારના ઇમિગ્રેશન સલાહકારોએ યુકેના વર્ક વિઝા માટે કોને પ્રાથમિકતા આપવી તે અંગેની યાદી તૈયાર કરી છે. 82 પ્રકારના વ્યવસાયોમાં કુશળતા ધરાવતા વિદેશી કામદારોને વિઝાના આકરા નિયંત્રણોમાં છૂટછાટ અપાશે. તેમાં સ્નાતક સ્તર કરતાં ઓછા અભ્યાસ ધરાવતા વ્યવસાયો સહિત નર્તકો, લેખકો, ફોટોગ્રાફરો અને સંગીતકારોનો પણ સમાવેશ થાય છે. જે સેક્ટરોમાં કામદારોની અછત પ્રવર્તી રહી છે તેની યાદી માઇગ્રેશન એડવાઇઝરી કમિટી દ્વારા તૈયાર કરાઇ છે.
આ યાદીમાં એર કન્ડિશન અને ફ્રિજ ઇન્સ્ટોલર, હેલ્થ એન્ડ સેફ્ટી ઓફિસર્સ,. એચઆર વર્કર્સનો પણ સમાવેશ થાય છે જેમને આકરા વિઝા નિયમોમાંથી મુક્તિ અપાશે.
સરકારની યોજના પ્રમાણે એમ્પ્લોયર્સ સ્નાતક અથવા તેથી વધુનો અભ્યાસ ધરાવતા વિદેશી કામદારોને જ નોકરી પર રાખી શકશે. ડિગ્રી લેવલથી ઓછી સ્કીલની જરૂર હોય તેવા કામદારોની અછત ધરાવતા સેક્ટરોમાં એમ્પ્લોયર્સ ઘરેલુ કામદારોને તાલીમ આપી નોકરી પર રાખવાની યોજના રજૂ કરશે તો જ હંગામી ધોરણે વિદેશી કામદારો રાખવાની પરવાનગી અપાશે. લેબર સરકાર ઘરેલુ કામદારોને તાલીમ આપી વિદેશી કામદારો પર રખાતો આધાર ઘટાડવા માગે છે.


