લંડનઃ અમેરિકાના ન્યૂયોર્કમાં થયેલા 9/11 હુમલાની ૨૦મી વરસી નજીકમાં છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે સાઉથ ટાવરના ૮૪મા માળે કામ કરતા બ્રિટિશ મહિલા જેનીસ બ્રુક્સ તે ભયાનક ઘટનાને યાદ કરતા કહે છે કે તેમને હજુ પણ લોકોની ચીસો સંભળાય છે. તે દિવસે તો હજુ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પ્રચંડ વિસ્ફોટ જેવો ધડાકો સાંભળ્યો.
ઈસ્ટ લંડનમાં રહેતા બ્રુક્સ થોડા વીક પહેલા જ ન્યૂયોર્ક આવ્યા હતા. તેમના સહકર્મચારીએ તેમને જણાવ્યું કે આ તો બાંધકામ ચાલે છે તેને લીધે અવાજ થયો છે. તેમણે બ્રુક્સને સહેજ પણ ચિંતા ન કરવા કહ્યું.
મિસ બ્રુક્સ તેમના ડેસ્ક પર પહોંચ્યા અને કામ કરવા લાગ્યા. અલ કાયદાના આતંકવાદીઓએ હાઈજેક કરેલું અમેરિકન એરલાઈન્સનું વિમાન ઈરાદાપૂર્વક બાજુના નોર્થ ટાવરમાં ઘૂસાડી દીધું છે તે વાતથી તેઓ સંપૂર્ણપણે અજાણ હતા.
થોડી મિનિટ પછી તેઓ ૧,૩૬૨ ફૂટના સાઉથ ટાવરની સીડીઓ ઉતરતા હતા ત્યારે બીજું વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ટકરાયું. આ વખતે આ વિમાન તેઓ જ્યંા કામ કરતા હતા ત્યાં ધસી ગયું.
તેમણે કહ્યું કે મને એકદમ આંચકો લાગ્યો. હું પડી ગઈ નહીં પણ એકબાજુએ ધકેલાઈ ગઈ. તે પછી તેમને મોટો ધડાકો સંભળાયો. એક મહિલા ચીસો પાડી રહી હતી. તે હજુ તેમના મનમાં છે અને સાંભળી શકે છે. તેઓ દરવાજા પાસે ગયા અને જોયું તો તે મહિલાની આંખોમાં લોહી હતું.
ટાવરનો ઉપરનો ભાગ આગના ગોળામાં લપેટાઈ ગયો. મિસ બ્રુક્સ અને તેમના સહકર્મચારીઓ સલામતી માટે ફટાફટ સીડીઓ ઉતરવા લાગ્યા. તે વખતે ચારેતરફ ભય અને અંધાધૂંધીનો માહોલ હતો. મિસ બ્રુક્સે કહ્યું કે તેઓ બિલ્ડીંગની બહાર નીકલી ગયા. તે પછી તેમને અવાજ સંભળાવા લાગ્યા. પછી તેમને ખબરવ પડી કે તે અવાજ જીવ બચાવવા માટે લોકો બિલ્ડીગ પરથી કૂદકો મારીને જમીન પર પછડાતા હતા તેનો હતો.
તે દિવસે જે સેંકડો લોકો બચી ગયા તેમાં મિસ બ્રુક્સ એક હતા. પરંતુ, જીવ ગુમાવનારા ૩,૦૦૦ લોકોમાં તેમના ૬૧ સહકર્મચારીઓ પણ સામેલ હતા.