પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ તરીકે પણ જાણીતા ‘ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ (AAA)નું આયોજન એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા કરવામાં આવે છે. આ ઝાકમઝોળ અને સિતારાઓની હાજરી ધરાવતા કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠિત અને સેલિબ્રિટી મહાનુભાવો દ્વારા આજના સમાજમાં બ્રિટિશ એશિયનોના વિશેષ પ્રદાન અને સખત પરિશ્રમની ઊજવણી અને સ્વીકૃતિ આપવામાં આવે છે. દર વર્ષે યોજાતા આ એવોર્ડ્સનો આ ૧૬મો વાર્ષિક સમારંભ છે અને સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલમાં તે યોજવામાં આવશે.
આ એવોર્ડ્સ એશિયન કોમ્યુનિટીમાં તમામ ક્ષેત્રે વ્યક્તિઓના નોંધપાત્ર કાર્યની કદર કરવા સાથે યુકેની એશિયન કોમ્યુનિટીમાં સર્વશ્રેષ્ઠ લોકોની સિદ્ધિઓનો સ્વીકાર કરે છે. આ એવોર્ડ્સમાં દર વર્ષે સમાજના ચોક્કસ પાસાને ધ્યાનમાં લઈ તેની ઊજવણી કરાય છે અને આ વર્ષે ‘પ્રોફેશનલ ઓફ ધ યર’ કેટેગરી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’ ૧૦ કેટેગરીમાં વહેંચાયેલા છે. અમે આપને આગામી સપ્તાહોમાં અન્ય કેટેગરીઓ વિશે વિસ્તૃત માહિતી આપીશું. આ સપ્તાહે આપણે બે કેટેગરીઝ – ‘વુમન ઓફ ધ યર’ અને ‘એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર’ વિશે વાત કરીશું.
વુમન ઓફ ધ યર એવોર્ડ કોઈ પણ પસંદગીના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનારી મહિલાની કદર અને સન્માન કરવા એનાયત કરવામાં આવે છે. ગત વર્ષે ટેકનોલોજી સ્ટાર્ટ અપ નિષ્ણાત બિન્દી કારિયાને આ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં રીયુઝેબલ બેગ્સ અને સસ્ટેઈનેબલ પેકેજિંગના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક સુપ્રીમ ક્રીએશન્સના સીઈઓ સ્મૃતિ શ્રીરામ, સખાવતી દાન એકત્ર કરવાનું શક્ય બને તે માટે ઓનલાઈન ટૂલ અને પ્રોસેસિંગ સેવા આપનારી કંપની જસ્ટગિવિંગના સહસ્થાપક ડેમ ઝરિન ખારાસ DME, અને સાત વર્ષ સુધી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના સેક્રેટરી જનરલ તરીકે સેવા આપનારાં ધારાશાસ્ત્રી ડો. ઈરીન ખાનનો સમાવેશ થયો હતો.
‘ ધ એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર’ એવોર્ડ સફળ બિઝનેસ એન્ટરપ્રાઈઝના સંચાલનનો નોંધપાત્ર ટ્રેક રેકોર્ડ ધરાવતા યુવાન અને મહત્ત્વાકાંક્ષી એન્ટ્રેપ્રીન્યોર એટલે કે ઉદ્યોગસાહસિકને એનાયત કરવામાં આવે છે. ગત વર્ષે secertsales.com ના સ્થાપકબંધુઓ નિશ અને સચ કુકડિઆ આ એવોર્ડથી વિભૂષિત કરાયા હતા. આ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં વોક-ઈન-બ્રો બારના પ્રણેતા અને થ્રેડિંગને ૨૧મી સદીમાં લાવવા માટે જવાબદાર Blink Brow Bar ના સ્થાપક વનિતા પાર્તી MBE, ફેશન વેબસાઈટ Misgiudedના સર્જક નીતિન પાસ્સી, તેમજ લંડનમાં JKS Restaurants ગ્રૂપ દ્વારા તૃષ્ણા અને જીમખાના સહિત સૌથી રોમાંચક રેસ્ટોરાંના સંચાલક જ્યોતિન સેઠી અને કરમ સેઠીનો સમાવેશ થયો હતો.
યુકેમાં પોતાના સંબંધિત ક્ષેત્રોમાં પ્રદાન આપવા બદલ કદર કરવા યોગ્ય અનેક બ્રિટિશ એશિયન છે. જો તમે એવી વ્યક્તિને જાણતા હો જેણે સમાજને વિશેષ પ્રદાન આપ્યું છે, મુઠી ઊંચેરા વ્યક્તિત્વ તરીકે સિદ્ધિ હાંસલ કરી છે અને તેમની કદર થવી જોઈએ તો તમે તેમને www.asianachieversawards.comપર ઓનલાઈન નોમિનેટ કરી શકો છો અથવા આ સપ્તાહે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં પ્રકાશિત નોમિનેશન ફોર્મમાં વિગતો નોંધી રજીસ્ટ્રેશન કરાવી શકો છે. આ નોમિનેશન મોકલવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૬ છે.


