લંડનઃ બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) ‘બાફટા’ના ચેરમેનપદે ૩૫ વર્ષના યુવાન કૃષ્ણેન્દુ મજૂમદારની નિમણુંક થઇ છે. BAFTAના ૭૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિનગૌર વ્યક્તિની ચેરમેન તરીકે વરણી કરાઇ છે. આ ઐતિહાસિક ઘટનાને સર્વત્રથી આવકાર સાંપડી રહ્યો છે. કોવિડ-૧૯ના કારણે ગત ૨ જૂને ડીજીટલ વાર્ષિક સભા યોજાઇ હતી જેમાં મૂળ કલકત્તાના ભારતીય યુવાન કૃષ્ણેન્દુ મજૂમદારની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
મજૂમદાર ત્રણેક વર્ષથી BAFTAના ડેપ્યુટી ચેર હતા અને હવે તેઓ હવે ત્રણ વર્ષ ચેરમેન તરીકે કાર્યરત રહેશે. તેઓ EMMY વિજેતા અને BAFTA નોમીનેટેડ ટેલિવિઝન પ્રોડ્યુસર અને ડાયરેકટર છે. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી કૃષ્ણેન્દુ સાથે સંકળાયેલા છે. તેઓ ૨૦૦૬ થી ૨૦૧૦ દરમ્યાન લર્નીંગ અને નવી ટેલેન્ટ સમિતિના અધ્યક્ષ અને ૨૦૧૫થી ૨૦૧૯ ટેલિવિઝન સમિતિના અધ્યક્ષ રહ્યા છે. કૃષ્ણેન્દુ EMMY વિજેતા અને BAFTA નામાંકિત ટેલિવિઝન નિર્માતા-નિર્દેશક છે.
કૃષ્ણેન્દુએ એક મુલાકાતમાં જણાવ્યું કે, “BAFTAના ચેરમેન પદે ચૂંટાવું એ ખૂબ સન્માનની વાત છે અને પીપા હેરિસના પગલે એમના ઉત્કૃષ્ટ કાર્યકાળનું પાલન કરવા પ્રતિબધ્ધ છું. પીપાએ બતાવેલી ડાયનેમિક લીડરશીપને હું ટ્રીબ્યુટ કરું છું. ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગ માટે આ વર્ષ મુશ્કેલભર્યું અને અશાંતિભર્યું છે પરંતુ પીપા, BAFTAના પ્રતિભાશાળી અને પ્રતિબધ્ધ કર્મચારીઓ અને સભ્યો સાથે કાર્યરત બનીને હું ઇચ્છુ છું કે કોવિડ-૧૯ પછી ટીવી અને ફિલ્મ ઉદ્યોગને ફરી ધબકતો કરવાનો BAFTAનો મુખ્ય ઉદ્દેશ છે. એ માટે ખાસ અગત્યનું છે કે અમે તમામ બેકગ્રાઉન્ડ અને જાતિઓના, રંગના લોકોને સમર્થન આપીએ.”
કૃષ્ણેન્દુએ ૨૦૧૨માં રિચાર્ડ યેઇ સાથે મળીને સ્વતંત્ર પ્રોડકશન કંપની ME plus U પ્રોડકશન્સ સ્થાપી હતી. તેમને ડોમિનિક સેવેજ ડ્રામા સિરીઝ I AM For ચેનલ-4 અને ઇન્ટરનેશનલ EMMY વિજેતા કોમેડી Hoff the Recordનું નિર્માણ કર્યું છે. ઉપરાંત Sick of it કોમેડી ડ્રામા અને Moaning of life સિરીઝના તેઓ એકઝીકયુટીવ રહ્યા છે. કૃષ્ણેન્દુ મજૂમદારનો જન્મ સાઉથ વેલ્સમાં થયો છે. એમના તબીબ પિતા ૧૯૬૦ના અરસામાં કલકતાથી યુકે આવ્યા હતા અને તેઓએ ૪૦ વર્ષ સુધી NHSના જીપી તરીકે ફરજ અદા કરી છે.