લંડનઃ કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીના અશ્વેત અને વંશીય લઘુમતીના ૧૫૦ કાઉન્સિલરોના સમૂહે પોતાની કોમ્યુનિટીઝને કોરોના વેક્સિન લેવાનું જણાવતો ખુલ્લો પત્ર લખ્યો લખ્યો છે. સોશિયલ મીડિયા પર મૂકાયેલા આ વીડિયો પત્રને લાખો વખત વાંચવામાં આવ્યો છે. આ પત્રમાં હસ્તાક્ષર કરનારાઓમાં માન્ચેસ્ટર, બર્મિંગહામ, લીડ્ઝ, મેડવે સહિતની કાઉન્ટીઝના બ્રિટિશ ભારતીય, મુસ્લિમ અને અશ્વેત કોમ્યુનિટીના વિવિધ પશ્ચાદભૂ ધરાવતા કાઉન્સિલર્સનો સમાવેશ થયો છે.
વંશીય લઘુમતી કોમ્યુનિટીઓ પર કોરોના વાઈરસની અપ્રમાણસર અસરો થઈ છે તેમજ આ સમુદાયો વેક્સિન સંબંધિત ગેરમાર્ગે દોરતી માહિતીનો પણ શિકાર બન્યા છે. આ અભિયાન લોકોને વેક્સિન લેવાનું પ્રોત્સાહન આપે છે એટલું જ નહિ, વાઈરસ સામે રક્ષણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા વિશે પોતાના સ્નેહીજનો અને સગાંસંબંધીઓ સાથે મહત્ત્વપૂર્ણ વાતચીત કરવાનું પણ જણાવે છે.
કાઉન્સિલર ગુરજિત કૌર બૈન્સ (કન્ઝર્વેટિવ, ગ્રેવેશામ) અને કાઉન્સિલર પૌલેટ હેમિલ્ટન ( લેબર, બર્મિંગહામ સિટી) લોકોને ગેરમાર્ગે દોરતી માહિતીનો સામનો કરવા તેમજ કહેવાય ત્યારે વેક્સિન લેવાનો અનુરોધ કરવા દેશના વંશીય લઘુમતી અને અશ્વેત કાઉન્સિલરોની સાથે જોડાયાં છે. આ કેમ્પેઈનને વડા પ્રધાન જ્હોન્સન, વિપક્ષના નેતા સર કેર સ્ટાર્મર તેમજ વેક્સિન્સ મિનિસ્ટર નાધિમ ઝાહાવી MPએ પણ સમર્થન જાહેર કર્યું છે. કેમ્પેઈનના ભાગરુપે કાઉન્સિલરો દ્વારા રજૂ કરાયેલા વીડિયોઝ એક મિલિયનથી વધુ વખત જોવાયાં છે.
કાઉન્સિલર ગુરજિત કૌર બૈન્સે કેમ્પેઈન વિશે જણાવ્યું હતું કે,‘ ચૂંટાયેલા કાઉન્સિલરો તરીકે અમે અમારી કોમ્યુનિટીઓને સમજીએ છીએ અને મહામારી દરમિયાન સૌતી વધુ અસરગ્રસ્તોનેને સપોર્ટ આપવા મદદ કરી રહ્યા છીએ. મેસેજ સ્પષ્ટ છે કે વેક્સિન સલામત છે, તે તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરશે. દરેકે તેમના મિત્રો અને પરિવારો સાથે વેક્સિન લેવાના મહત્ત્વ વિશે વાતચીત કરવી જોઈએ. આપણે સાથે મળીને આ વાઈરસ સામે લડીએ.’
કાઉન્સિલર પૌલેટ હેમિલ્ટને જણાવ્યું હતું કે,‘વેક્સિન માત્ર વ્યક્તિને નહિ, તેના પરિવાર, સ્નેહીજનો અને વ્યાપક કોમ્યુનિટીને પણ રક્ષણ આપે છે. ગેરમાહિતીને તમારા કે પરિવારને જોખમમાં મૂકવા દેશો નહિ. લોકોને ચિંતા થવી સ્વાભાવિક છે આથી તમારા જીપી કે સ્થાનિક પબ્લિક હેલ્થ અધિકારીઓને મળી સલાહ મેળવો.’


