લંડનઃ બીબીસી બ્રેકફાસ્ટ શો જેવા પ્રાઈમ ટાઈમ કાર્યક્રમમાં બ્રિટનના સર્વપ્રથમ ગુજરાતી ટેલિવિઝન પ્રેઝન્ટર સીમા કોટેચાને કમાન સોંપીને બીબીસીએ નવો ઈતિહાસ સર્જ્યો છે. આ લોકપ્રિય મોર્નિંગ શોની રજૂઆત બ્રિટનમાં જન્મેલા ગુજરાતી દ્વારા કરાઈ હોવાની આ પ્રથમ ઘટના છે. મૂળ બેસિંગ્સ્ટોકની સીમા કોટેચા ૨૦૦૩થી બીબીસી સાથે કામ કરે છે. આ ગાળામાં તેમણે રેડિયો પ્રેઝન્ટર, ન્યૂઝ કોરસપોન્ડન્ટ અને ઈન્ટરનેશનલ કોરસપોન્ડન્ટની કામગીરી પણ બજાવી છે.
તાજેતરમાં સીમાને યુરોપમાં કોરોનાવાઈસથી સૌથી અસરગ્રસ્ત દેશ ઈટાલીમાં પોસ્ટિંગ અપાયું હતું જ્યાં જોખમ હોવાં છતાં તેણે કોરોનાની અસર વિશે બીબીસીના વિશેષ ડેઈલી ન્યૂઝનું કવરેજ કર્યું હતું. સીમાએ જોખમી પરિસ્થિતિઓમાં કામ કર્યાની આ પ્રથમ ઘટના નથી. તેણે અફઘાનિસ્તાનના હેલમાન્ડ પ્રોવિન્સમાં પણ કામ કર્યું છે. સીમાએ ૨૦૦૮ની યુએસ પ્રમુખની ઐતિહાસિક ચૂંટણી, અનેક વખત ઓસ્કાર તેમજ હેઈતીમાં ઘરતીકંપ જેવી ઘટનાઓનું પણ કવરેજ કર્યું છે.
સીમા કોટેચા ૧૯૭૦ના ગાળામાં યુકે આવેલા ઈસ્ટ આફ્રિકન એશિયન માતાપિતાની દીકરી છે. બીબીસીના પ્રસિદ્ધ લાલ સોફા પર સીમાએ મેળવેલું સ્થાન બ્રિટિશ ભારતીયો માટે મહાન ગૌરવની બાબત છે જ્યારે તેમણે બ્રિટનમાં જન્મેલા ભારતીયોને પ્રાઈમ ટાઈમ ટેલિવિઝન પર નિહાળ્યા હતા. ITNના ન્યૂઝ એડિટર આરતી લૂખા, ન્યૂઝ પ્રેઝન્ટર સેજલ કારિયા અને ITN વેધર પ્રેઝન્ટર મનાલી લૂખા સહિત અન્ય ઘણા બ્રિટિશ ભારતીયોએ પણ બ્રિટિશ ટેલિવિઝન મીડિયા પર નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.