લંડનઃ યુકેની હાઈસ્ટ્રીટના બ્રિટિશ હોમ સ્ટોર (BHS) બંધ થઈ ગયા. પરંતુ, તેની વેબસાઈટ BHS.com દ્વારા થતા ઓનલાઈન વેચાણમાં ગયા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં એકંદરે ૪૩ ટકાનો જંગી વધારો નોંધાયો હતો. લાઈટીંગ ડિવિઝનના વેચાણમાં ૫૭ ટકા, હોમ એસેસરીઝમાં ૪૩ અને વિમેન્સ સ્લીપવેરમાં ૧૦૪ ટકાનો ધરખમ વધારો થયો હતો. માર્ચ, ૨૦૧૬માં આ રિટેલર ડિપાર્ટમેન્ટ સ્ટોર બંધ થતાં BHS નામને જીવંત રાખવા સપ્ટેમ્બર, ૨૦૧૬માં BHS.com શરૂ કરાઈ હતી.
ડોમિનિક ચેપલ અને તેમના રિટેઈલ એક્વિઝિશન્સ કન્સોર્ટિયમે ૧ પાઉન્ડમાં સર ફિલિપ ગ્રીન પાસેથી ચેઈન સ્ટોર ખરીદ્યા તેના એક વર્ષમાં જ BHSનો બિઝનેસ પડી ભાંગ્યો. BHS બંધ થતાં ૧૧,૦૦૦ લોકો બેકાર બની ગયા. જંગી ખાધ સાથેની પેન્શન સ્કીમને લીધે કૌભાંડ થતા સર ફિલિપની પ્રતિષ્ઠાને ભારે નુક્સાન પહોંચ્યું હતું. ત્યારથી આ રિટેઈલ બિલિયોનેરે BHS પેન્શન સ્કીમોમાં ૩૬૩ મિલિયન પાઉન્ડ જમા કરાવ્યા છે.


