લંડનઃ ધ બ્રિટિશ ઈન્ડિયન એન્ડ જ્યુઈશ એસોસિયેશન (BIJA) દ્વારા રવિવાર 27 એપ્રિલ 2025ના દિવસે ‘વિઝિટ જ્યુઈશ ઈન્ડિયા (વર્ચ્યુઅલી)!!’ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં મુંબઈ જ્યુઈશ કોમ્યુનિટી અને નેસેટ એલિયાહુ સિનેગોગની ઓનલાઈન યાત્રાથી ગ્લોબલ ઓડિયન્સ મંત્રમુગ્ધ બની ગયું હતું.
જ્યુઈશ ભારતીય વારસા સાથેના અને BIJAના મૂલ્યવાન સભ્ય સ્કોટ એરોન દ્વારા આયોજિત કરાયેલા ઈવેન્ટમાં પ્રસિદ્ધ હેરિટેજ નિષ્ણાત અને VisitJewishIndia.comના રાલ્ફી ઝિરાડની રાહબરી હેઠળ વર્ચ્યુઅલ પ્રવાસ કરાવાયો હતો.
વર્ચ્યુઅલ પ્રવાસીઓએ મુંબઈના બીજા ક્રમના સૌથી પ્રાચીન સેફાર્દિક સિનેગોગ નેસેટ એલિયાહુ સિનેગોગના અનુપમ સ્થાપત્ય અને સમૃદ્ધ ઈતિહાસને માણ્યા હતા. આ સિનેગોગનું નિર્માણ 1884માં ફિલાન્થ્રોપિક સાસૂન પરિવારના સપોર્ટ સાથે કરવામાં આવ્યું હતું. ઝૂમ મારફત યોજાએલા પ્રવાસમાં ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓ વચ્ચે વાઈબ્રન્ટ અને ટકાઉ સંબંધોની ઊજવણી કરવા સમગ્ર યુકે અને આંતરરાષ્ટ્રીય સભ્યો સામેલ થયા હતા. આ સમુદાયો વચ્ચેના સંબંધો સહભાગી ઈતિહાસો, પારસ્પરિક આદર અને સમાન મૂલ્યોના મૂળિયાંથી જોડાયેલાં છે.
BIJAના સહાધ્યક્ષ ડો. પીટર ચઢાએ જણાવ્યું હતું કે,‘ ભારતમાં યહુદીઓનો સમૃદ્ધ ઈતિહાસ, તેમણે સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ તેમજ વ્યાપક ભારતીય સમાજમાં તેઓ જે રીતે સંકળાયેલા છે તેના પ્રત્યે આદરને નિહાળવાનું ઘણું સારું લાગ્યું.’
BIJAના સહાધ્યક્ષ ઝાકી કૂપરે ઉમેર્યું હતું કે,‘ યહુદીઓ સેંકડો વર્ષોથી ભારતમાં હાજરી ધરાવતા રહ્યા છે. આ નોંધપાત્ર અને મહત્ત્વપૂર્ણ ઈતિહાસ વિશે વધુ શીખવાનું અને તેના પ્રત્યક્ષ પુરાવાઓ નિહાળવાનું પ્રેરણાદાયક બની રહ્યું. આજે બ્રિટનમાં વસતા અનેક યહુદીઓ માટે ભારતમાં જન્મ્યા હોવાનો ગર્વ અને તેમની ઓળખનો યાદગાર હિસ્સો છે.’
BIJAએ રાલ્ફી ઝિરાડ, સ્કોટ એરોન, નાતાલી મેક્ટ્ચા તેમજ આ ઈવેન્ટમાં હાજરી સાથે અભૂતપૂર્વ સફળતા અપાવવામાં સાથ આપનારા સમગ્ર ઓડિયન્સ પ્રતિ હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ભવિષ્યના ઈવેન્ટ્સ માટે માહિતી મેળવવા bija.org.ukની મુલાકાત લેવા વિનંતી છે.