લંડનઃ ‘બ્લેક લાઈવ્ઝ મેટર’ (BLM)ના સમર્થકોએ બ્રિસ્ટોલમાં ગુલામોના વેપારી એડવર્ડ કોલ્સટનની પ્રતિમા ઉખાડી નંખાયાના પગલે યુકેમાં તોડી પાડવા માટે ૬૦ રેસિસ્ટ પ્રતિમાનું હિટ લિસ્ટ તૈયાર કર્યું છે. તેમણે લોકોને આ યાદીમાં ઉમેરો કરવા પણ જણાવ્યું છે. BLMના હજારો સમર્થકો ‘Rhodes you're next’ અભિયાનના ભાગરૂપે ઓક્સફર્ડમાં બ્રિટિશ સામ્રાજ્યવાદી સેસિલ રહોડ્સના સ્ટેચ્યુ પાસે એકત્ર થવાના હતા.
‘Topple the racists’ (રંગભેદીઓને ઉથલાવી નાખો) વેબસાઈટમાં ગુલામી અને રંગભેદની તરફેણ કરનારા લોકોની ૩૦થી વધુ પ્રતિમા હોવાનું જણાવાયું છે, જેમાં પાર્લામેન્ટની બહાર મૂકાયેલી સર ફ્રાન્સિસ ડ્રેક, હોરાશિયો નેલ્સન અને ઓલિવર ક્રોમવેલની પ્રતિમા ઉપરાંત કિંગ ચાર્લ્સ દ્વિતીય, સર રોબર્ટ પીલ અને લોર્ડ કિચનર જેવી બ્રિટનની પ્રખ્યાત હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. BLM સમર્થકોએ આ લોકોને ગુલામોના માલિક અને સંસ્થાનવાદીઓ ગણાવી તેમની પ્રતિમાઓ, સ્મારકો અને તક્તીઓ દૂર કરવી જરુરી ગણાવી છે જેથી, બ્રિટન પોતાના ભૂતકાળ વિશે સત્યનો સામનો કરી શકે.
બીજી તરફ, લંડનના મેયર સાદિક ખાને લંડનમાં તમામ સ્લેવ ટ્રેડર લેન્ડમાર્ક દૂર કરવાની હાકલ કરી છે. સાદિક ખાન લંડનની આ પ્રતિમાઓના વૈવિધ્યની સમીક્ષા અને સુધારણા કરશે અને ગુલામોના વેપારીઓને દૂર કરાશે તેવી આશા તેમણે દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે રાજધાનીમાં મોટા ભાગની પ્રતિમા વિક્ટોરિયન કાળની છે અને તેમાં ઘેરી ત્વચાના લોકોનો વધુ સમાવેશ કરાવો જોઈએ.