લંડનઃ બ્રસેલ્સ દ્વારા મુક્ત હેરફેરના આદેશના અભાવે યુકેમાં કામ કરતા ઈયુના ૭૫ ટકા નાગરિકોને કામ મળ્યું ન હોત. ઓક્સફર્ડની માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના અભ્યાસ અનુસાર બ્રિટન ઈયુમાંથી બહાર નીકળે તો ઈયુના યુકેસ્થિત દર ચારમાંથી ત્રણ વર્કર વર્ક વિઝાના નિયમ મુજબ ગેરલાયક ઠરશે. રિટેઈલ, હોટલ, રેસ્ટોરન્ટ્સ અને ફાર્મિંગ સેક્ટરનો લગભગ ૯૫ ટકા સ્ટાફ વિઝા માપદંડો પર ખરો ઉતરશે નહીં.
ઈયુ સિવાયના દેશોના લોકો માટે જ લાગુ કરાતી વિઝા સિસ્ટમ અર્થતંત્રની જરૂરિયાત મુજબની સ્કીલ ધરાવતા માઈગ્રન્ટ્સને જ બ્રિટનમાં પ્રવેશ અપાય તે સુનિશ્ચિત કરવા માટે છે. બ્રિટનમાં ખૂબ ઓછી સ્કીલ માગે તેવી ઘણી જોબમાં ઈયુ માઈગ્રન્ટ્સ છે.
અભ્યાસમાં જણાવાયું છે કે રિટેઈલ, હોટલ, રેસ્ટોરન્ટ્સમાં કામ કરતા ઈયુ વર્કર પૈકી ૯૪ ટકા અને ફાર્મ સેક્ટરના ૯૬ ટકા વર્કર બ્રિટનમાં પ્રવેશની આવશ્યક લાયકાત મુજબના નથી. અભ્યાસમાં દાવો કરાયો છે કે બ્રિટન ઈયુ છોડી દેવાની તરફેણમાં મતદાન કરશે તો આ નોકરીઓ ભરવા માટે દેશે નવો માર્ગ શોધવો પડશે.
પરંતુ, ઈયુ છોડવાના ઝુંબેશકારોની દલીલ છે કે મોટા પાયે ઈમિગ્રેશનને લીધે વેતનદર ઘટ્યાં છે. બ્રિટન ઈયુમાંથી બહાર નીકળી જાય તો ખાલી પડેલી જગ્યાઓ યુકેમાં જન્મેલા વર્કરોથી ભરી શકાશે. યુકેમાં ૨.૨ મિલિયન ઈયુ વર્કર છે, જે કુલ શ્રમિકદળના ૬.૬. ટકા થાય છે. મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં અન્ય સેક્ટર કરતાં સૌથી વધુ ત્રણ મિલિયન ઈયુ વર્કર છે.


