CAA સંબંધે ખોટો ઉહાપોહ અને કાલ્પનિક ભયઃ લોર્ડ મેઘનાદ દેસાઈ

અર્લ ઓફ સેન્ડવિચ જ્હોન મોન્ટાગુ દ્વારા ચર્ચાનો ઠરાવ રખાયોઃ યુકે સરકાર સીએએ કાયદાની સમીક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરે લોર્ડ્ઝની માગણીઃ સીએએ, એનઆરસી મુદ્દે ચિંતા દર્શાવાઈ

Saturday 29th February 2020 06:01 EST
 
 

લંડનઃ યુકેના હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતના સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અને તેની અસરો વિશે ચર્ચા કરવામાં આવી છે, જેનો ઠરાવ મંગળવાર ૨૫ ફેબ્રુઆરીએ અર્લ ઓફ સેન્ડવિચ જ્હોન મોન્ટાગુ દ્વારા રખાયો હતો. અર્લ ઓફ સેન્ડવિચે આ એક્ટ સામે દેશભરમાં સામૂહિક વિરોધ અને હિંસામાં સંખ્યાબંધ મોત થયા છે તેને ધ્યાનમાં લઈ યુકે સરકારે સીએએ કાયદા અને ભારતીય સમાજ પર તેની અસરની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કરવો જોઈએ તેમ કહ્યું હતું.

યુકેની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ બેરોનેસ લિઝ સગે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,‘ ભારતમાં આ કાયદા વિરુદ્ધ વિરોધ થઈ રહ્યો છે તેથી કોઈ શંકા નથી કે કાયદો વિભાજનાત્મક છે. આ ગૃહ સહિત દેશના લોકો પણ ગંભીર મત ધરાવે છે. કાયદાની સંપૂર્ણ અસરો અસ્પષ્ટ છે. યુકે સરકાર કાયદાની સંપૂર્ણ અસરો વિશે ચિંતિત પણ છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. ગાઢ મિત્ર અને પાર્ટનર ભારત સાથે આ ચિંતા પણ ઉઠાવશે. ભારતની સરકાર ભારતના બંધારણ, તેના લોકશાહી મૂલ્યો અને સમાવેશી પરંપરાને સુસંગત રહી તમામ ધર્મોના લોકોના અધિકારોની રક્ષા કરશે તેવી આશા અને વિશ્વાસ રાખીએ છીએ.’

અર્લ ઓફ સેન્ડવિચે જણાવ્યું હતું કે ‘આપણા બે દેશોના પરિવારો વચ્ચે નિયમિત માઈગ્રેશન થતું રહે છે ત્યારે આપણી એશિયન લઘુમતીઓમાં ભેદભાવની સૌથી વધુ સંવેદનશીલતા જાવાય છે અને મુસ્લિમ કોમ્યુનિટીને સૌથી વધુ નુકસાન થાય છે. ડિસેમ્બરમાં લોકસભામાં પસાર કરાયેલા ધ સિટિઝનશિપ (એમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૧૯માં ત્રણ પડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશમાંથી આવેલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને માફી અપાઈ છે પરંતુ, આ દેશોના મુસ્લિમોનો સમાવેશ કરાયો નથી.’

ભારતીય મૂળના ઉમરાવ લોર્ડ મેઘનાદ દેસાઈએ આ કાયદા સંબંધે ખોટો ઉહાપોહ કરાઈ રહ્યો છે અને કાલ્પનિક ભય ફેલાવાય છે તેમ કહેતા જણાવ્યું હતું કે આ કાયદો અથવા તો સૂચિત નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)નો અમલ થયો નથી. એમ કહેવાય છે કે આ કાયદા ગેરબંધારણીય છે પરંતુ, આપણે તે જાણતા નથી કારણકે ભારતની સુપ્રીમ કોર્ટે આ મુદ્દે હજુ સુનાવણી કરી નથી. લોકો એમ કહી રહ્યા છે કે અન્ય કોઈને નહિ પરંતુ, શંકાસ્પપદ દસ્તાવેજો સાથેના હિન્દુઓને આવવા દેવા માટે જ કાયદો પસાર કરાયો છે. હજુ આવું કશું થયુ નથી- આ કાલ્પનિક ભય જ છે.

ભારતીય મૂળના અન્ય ઉમરાવ લોર્ડ રાજ લૂમ્બાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે CAA ‘ખુલ્લી, પારદર્શક અને સંપૂર્ણ લોકશાહી પ્રક્રિયા’ થકી પસાર કરાયો છે. ‘ભારતની સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે CAA વિકલ્પોની પસંદગી વિનાના લોકોના જૂથને એક સમય આધારિત નાગરિકતા આપવાનો કાયદા છે અને ભારતીય મુસ્લિમ સહિત કોઈની પણ નાગરિકતા પાછી લેવાનો કાયદો નથી.’

જોકે, ભારતીય મૂળના ઉમરાવ લોર્ડ ઈન્દરજિત સિંહે ચેતવણી આપી હતી કે નવા કાયદાથી મુસ્લિમો અને તે પછી તમામ બિનહિન્દુઓ વિરુદ્ધ ભેદભાવનો માર્ગ ખુલી જશે. હું આપણી સરકારને સીધા અને કોમનવેલ્થ મારફત અદ્ભૂત દેશમાં તમામ લોકો માટે સહિષ્ણુતા અને આદરની રચનાત્મક ગતિવિધિ માટે કામ કરવા અનુરોધ કરું છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter