CBILS યોજનામાં ઢીલઃ માત્ર ૧.૪ ટકા ફર્મ્સને લોન

Wednesday 15th April 2020 06:06 EDT
 
 

લંડનઃ યુકે સરકારની મુખ્ય કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS)માં માત્ર ૧.૪ ટકા ફર્મ્સ લાભ મેળવી શકી છે. આ યોજનામાં પ્રગતિનો અભાવ હોવાની કબૂલાત બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ કરી છે. ચાન્સેલર રિશિ સુનાકે યોજના જાહેર કર્યા પછી અંદાજે ૩૦૦,૦૦૦ ફર્મ્સે બચાવ લોન્સ મેળવવા ઓનલાઈન પૂછપરછ કરી હતી તેમાંથી માત્ર ૪૨૦૦ ફર્મ્સ જ આ લોન મેળવી શકી છે.

હજારો કંપનીએ કોરોના વાઈરસ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CBILS) હેઠળ સત્તાવાર અરજીઓ કરી હોવાનું કહેવાય છે પરંતુ, વધુપડતી બ્યૂરોક્રસી અને ધીરાણકારોની લોન્સ આપવાની આનાકાનીના કારણે યોજનાને સફળતા મળી ન હોવાનું જણાવાય છે. હજારો બિઝનેસીસ બંધ થઈ જાય તે પહેલા લોન અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવા અધિકારીઓ અને અગ્રણી બેન્કો પર દબાણ કરી રહ્યું છે. બચાવ લોન્સનું પ્રોસેસિંગ ઝડપી બનાવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ સલાહકાર રિચાર્ડ શાર્પને કામગીરી સોંપી હોવાનું પણ કહેવાય છે.

બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યું હતું કે આંકડો ૪૨૦૦ ફર્મ્સનો છે અને માત્ર ૮૦૦ મિલિયન પાઉન્ડથી થોડી વધુ રકમ અપાઈ છે. તેમણે આ યોજનાના મુખ્ય ભાગીદાર અને સૌથી મોટા લેન્ડર્સ સાથે સીધી વાતચીત કરી નાણા વહેલી તકે અપાય તેવી સ્પષ્ટતા પણ કરી છે. અગાઉ, બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે જણાવ્યું હતું કે તેમના સર્વેમાં ભાગ લેનારી માત્ર એક ટકા ફર્મ્સને આ યોજનામાં લોન મળી છે જ્યારે સાત ટકાને ટ્રેઝરી દ્વારા લઘુ બિઝનેસીસને ઓફર કરાયેલી ગ્રાન્ટ મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter