લંડનઃ બિયર અને ગેસભરેલા પીણાંના ઉત્પાદનમાં વપરાતાં તેમજ માંસના પ્રોસેસિંગમાં મહત્ત્વના ગણાતા કાર્બન ડાયોક્સાઈડ (CO2)મા ભારે અછત સર્જાતા બિયર, પીણાં અને માંસના પુરવઠાને અસર પહોંચવાનું જોખમ છે. આગામી દિવસોમાં રેસ્ટોરાં અને સુપરમાર્કેટ્સના પુરવઠાને પણ ઘણી અસર પહોંચશે. હાલ પણ લોરી ડ્રાઈવર્સની અછતે સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી કરી નાખી છે. પર્યાવરણ, ફૂડ અને ગ્રામ્ય બાબતોના મંત્રાલય (Defra)ને પણ આની ચેતવણી અપાઈ છે.
CF ઈન્ડસ્ટ્રીના ડરહામ અને ચેશાયરમાં આવેલા બે મોટા ફર્ટિલાઈઝર પ્લાન્ટ ગત સપ્તાહે બંધ થઈ જવાથી કાર્બન ડાયોક્સાઈડની અછતે ફૂડ અને ડ્રિન્ક ઈન્ડસ્ટ્રીના ઉત્પાદકો માટે મુશ્કેલી ઉભી કરી છે. આ બે પ્લાન્ટ દેશના CO2ની જરૂરિયાતનો ૪૦થી ૬૦ ટકા જથ્થો પૂરો પાડે છે. કાર્બન ડાયોક્સાઈડ (CO2) બિયર સહિતના પીણાં તેમજ માંસના પ્રોસેસિંગમાં મહત્ત્વપૂર્ણ છે. બ્રિટિશ પોલ્ટ્રી કાઉન્સિલના રિચાર્ડ ગ્રિફિથ્સના જણાવ્યા મુજબ, ‘આ ગેસ સ્લોટરહાઉસીસ તેમજ ચિકન્સને ઠંડી કરવા અને પેકિંગના કામમાં વપરાય છે. ગેસના સપ્લાય ચક્રને ભારે અસર થવાથી ઈન્ડસ્ટ્રી ઝડપથી નીચેની તરફ ધસી રહી છે. પાંચ-સાત દિવસ પછી પક્ષીઓના પ્રોસેસિંગમાં ભારે સમસ્યાઓ ઉભી થશે.’
સુપરમાર્કેટ્સ અને હોસ્પિટાલિટી બિઝનેસીસને પુરવઠાનો અવરોધ ન સર્જાય તે માટે કાર્બન ડાયોક્સાઈડનો સપ્લાય ચાલુ રાખવો જરૂરી છે. CF ઈન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર આસમાને પહોંચેલા ગેસના ભાવના કારણે તેમને પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. પ્લાન્ટ્સ ક્યારે ફરી કાર્યરત થશે તે નિશ્ચિત નથી. સરકારે ગંભીર કટોકટી ટાળવા બે પ્લાન્ટ્સને બચાવવા પડશે.