COP26 પર્યાવરણ સમિટની વ્યાપક સફળતા સામે પ્રશ્નાર્થ

Wednesday 27th October 2021 07:21 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની COP26 પર્યાવરણ શિખર પરિષદ પૃથ્વીને બચાવવાની દિશામાં વ્યાપક સફળતા નહિ મેળવી શકે તેવો ભય છે. નવેમ્બરની મંત્રણામાં હાજર રહેવાના આમંત્રણને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. ગ્લાસગો સમિટમાં વિશ્વના સૌથી મોટા પ્રદુષણકારોમાંના એકની ગેરહાજરી તરી આવશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગો આવી રહ્યા છે પરંતુ, ચીનના પ્રમુખ જિનપિંગની હાજરી વિશે કોઈ સ્પષ્ટતા નથી.

COP26ના પ્રમુખ આલોક શર્મા શિખર પરિષદના સફળ થવાની આશા પર જ્હોન્સન પાણી ફેરવી રહ્યાથી નારાજ હોવાનું કહેવાય છે. જોકે, શર્માના નિકટના સાથીએ આ નકારતા કહ્યું હતું કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના અંગત રસ, ઉત્સાહ અને નિર્ણયાત્મકતા સંપૂર્ણપણે COP26 શિખર પરિષદના સમર્થનમાં છે.

વડા પ્રધાન જ્હોન્સને સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે સમિટ સફળ થવું જ જોઈએ પરંતુ, હાલમાં જ અપેક્ષાઓને ઘટાડતા તેઓએ આ કાર્ય અતિશય મુશ્કેલ હોવાનું જણાવ્યું છે. કેટલાક મિનિસ્ટર્સનું કહેવું છે કે નવી સમજૂતી થાય તેવી ઐતિહાસિક પળ બની રહેશે તેમ કોઈ ખોંખારીને કહી રહ્યું ન હોવાથી આ શિખર પરિષદ બહુ ઉત્સાહપ્રેરક નહિ હોય તેમ મનાય છે. આલોક શર્મા રોષે ભરાયા છે અને COP26 અંકુશ બહાર જઈ રહી છે.

ગ્લોબલ વોર્મિંગને માત્ર ૧.૫ ડીગ્રી સુધી મર્યાદિત રાખવાના પ્રયાસની ગ્રીન કમિટમેન્ટ્સ પર દેશો હસ્તાક્ષર કરે તેમ વડા પ્રધાન જ્હોન્સન ઈચ્છે છે. જોકે આનો કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી તેમ એક મિનિસ્ટરે જણાવ્યું હતું. COP26ના સૂત્રે જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જના ફ્રન્ટલાઈન પરની કોમ્યુનિટીઓ બરાબર સમજે છે કે ગ્લોબલ વોર્મિંગને માત્ર ૧.૫ ડીગ્રી સુધી મર્યાદિત રાખવું તે જીવન અથવા મૃત્યુની બાબત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter