લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT) ની સ્થાપનાને ચાર વર્ષ થયાં તે છતાં તે જે મોટાં પડકારોનો સામનો કરે છે તેમાં ખાસ નોંધપાત્ર પ્રગતિ ન થઈ હોવાનું ક્રોસ પાર્ટી ગ્રૂપના સાંસદોએ જણાવ્યું હતું. પબ્લિક એકાઉન્ટસ કમિટીએ વિક્સી રહેલા બિઝનેસીસને શોધી કાઢવા માટે પૂરતી કાર્યવાહી ન કરી હોવાનો તેના પર અને યુકે એક્સપોર્ટ ફાઈનાન્સ (UKEF) પર આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું કે વ્યૂહાત્મક સંગઠિતતાના અભાવે નિકાસની તકો ચૂકી જવાઈ છે.
કમિટીએ જણાવ્યું કે નિકાસની કામગીરીમાં ટ્રેડ ડિપાર્ટમેન્ટના યોગદાનનું મૂલ્યાંકન કરવું શક્ય નથી. તેની તપાસના પરિણામોમાં જણાવાયું હતું કે નિકાસમાં નાના બિઝનેસીસને ફાઈનાન્સ માટે અરજી કરવા જેવા જે પડકારોનો સામનો કરવો પડે છે તેના વિશે બન્ને ડિપાર્ટમેન્ટ વચ્ચે પૂરતી સમજ સધાઈ નથી. તેઓ એસએમઈના વિકાસ માટે પણ જરૂરી સહાય પૂરી પાડતા નથી.
તેના અહેવાલમાં જણાવાયું હતું કે અંદાજે ૫.૯ મિલિયન યુકે બિઝનેસીસમાં DIT ૨૩૦,૦૦૦ નિકાસકારોને સપોર્ટ કરે છે, જે છેલ્લાં દસ વર્પથી સ્થિર છે અને UKEFએ ૨૦૧૯ માં માત્ર ૧૯૯ બિઝનેસીસને સહાય કરી હતી અને તે ૫૦૦ બિઝનેસીસનું પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. નાની કંપનીઓેને સરકારી વેબસાઈટ પર ડિજીટલ સર્વિસ મળે છે પરંતુ, ડિપાર્ટમેન્ટની ડિજીટલ સર્વિસીસથી સંતોષનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ સર્વિસીસનો ઉપયોગ પણ ઘટતો જાય છે. ૨૦૧૮માં દર મહિને રજિસ્ટ્રેશનની સંખ્યા ૮૧૬ હતી જે ઘટીને દર મહિને ૪૫૦ થઈ હતી.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અહેવાલના તારણોના સમર્થનમાં કોઈ પૂરાવા સામેલ નથી. તેમણે જાપાન સાથે એક કરાર કર્યો છે અને ૨૦૧૯માં ૫૧ દેશો સાથે ૧૪૪ બિલિયન પાઉન્ડના વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અથવા સમજૂતી કરી હોવાનું ઉમેર્યું હતું.


