DVLA ની ચેતવણીઃ યોગ્ય ચશ્મા નહિ પહેરો તો £1,000 સુધીનો દંડ

કાર ઈન્સ્યુરન્સ પોલીસી પણ અમાન્ય ઠરી શકે

Friday 14th October 2022 02:30 EDT
 
 

લંડનઃ જે ડ્રાઈવર્સને દૂરના જોવાનાં કે નજીકના જોવાના ચશ્મા હોય પરંતુ, પહેરતા ન હોય કે અલગ પ્રકારના ચશ્મા પહેરતા હોય તેમને 1,000 પાઉન્ડ સુધીનો દંડ અને ત્રણ પેનલ્ટી પોઈન્ટ્સ લગાવવાની ચેતવણી DVLAએ આપી છે. જો તેઓ પ્રીસ્ક્રીપ્શન ગ્લાસીસ પહેર્યા વિના વાહન હંકારતા હશે તો તેમની કાર ઈન્સ્યુરન્સ પોલીસી પણ અમાન્ય ઠરી શકે છે અને અકસ્માતના સમયે તેમની જ ભૂલ ગણાશે.

એમ જણાવાય છે કે યુકેના 59 ટકા નાગરિકો ચશ્મા પહેરે છે અને ઘણા બ્રિટિશરો દૂર કે નજીકની દૃષ્ટિ, એસ્ટિગ્મેટિઝમ અને પ્રિસ્બીઓપિઆ (વૃદ્ધાવસ્થાની ઝાંખપ) સહિત આંખની સમસ્યાઓ માટે ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. જોકે, ઘણા લોકો વાહન હંકારતી વેળાએ યોગ્ય ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરતા ન હોવાથી અકસ્માનનું જોખમ ઘણું વધી જાય છે. ડ્રાઈવર એન્ડ વ્હિકલ લાયસન્સિંગ ઓથોરિટી (DVLA)ના જણાવ્યા મુજબ લોકો જ્યારે પણ વાહન હંકારે ત્યારે ડ્રાઈવિંગની દૃષ્ટિક્ષમતાના ધોરણોનું પાલન કરવું જરૂરી છે. તમારી આંખની દષ્ટિમાં જરા પણ ફેરફાર થાય ત્યારે ને તેની જાણ કરવી પણ જરૂરી છે. DVLA દ્વારા સપ્ટેમ્બર 2001થી નિયમોમાં ફેરફાર કરાયો છે તે મુજબ ગ્લાસીસ કે કોન્ટેક્ટ લેન્સ સાથે પણ 20 મીટરના અંતરથી કારની નંબર પ્લેટ વાંચી શકાવી જોઈએ.

ખામીપૂર્ણ દૃષ્ટિ સાથે વાહન ચલાવવાનું જોખમભર્યું બની રહે છે. ડ્રાઈવર જ્યારે રોડને સ્પષ્ટપણે જોઈ ન શકે, રોડ સાઈન્સ બરાબર વાંચી ન શકે તેમજ સંભવિત જોખમને જોઈ ન શકે તે પોતાને અને અન્યોને જોખમમાં મૂકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter