FCAના વડા એન્ડ્રયુ બેઈલી બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નવા ગવર્નર

Tuesday 24th December 2019 01:54 EST
 
 

લંડનઃ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના વડા એન્ડ્રયુ બેઈલી બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નવા ગવર્નર બનશે તેવી જાહેરાત કરાઈ છે. ચાન્સેલર સાજિદ જાવિદે નિયુક્તિને સમર્થન આપતા કહ્યું છે કે બેઈલી યુરોપિયન યુનિયનમાંથી અળગા થવાની પ્રક્રિયામાં બ્રિટનને નેતૃત્વ આપશે. જાવિદે કહ્યું હતું કે બેઈલી સંપૂર્ણ આઠ વર્ષની મુદત માટે ગવર્નર તરીકે રહેશે અને ૧૬ માર્ચથી નવો હોદ્દો સંભાળશે.

ચાન્સેલર જાવિદે કહ્યું હતું કે બેન્કિંગ વિશ્વમાં બેઈલી અભૂતપૂર્વ અને અદ્વિતીય અનુભવ ધરાવે છે. તેમણે ૨૦૦૮ની નાણાકીય કટોકટી દરમિયાન બેઈલીની નેતાગીરીની પ્રશંસા કરી હતી. જાવિદે વિદાય લેતા ગવર્નર માર્ક કાર્નીનો પણ આભાર માન્યો હતો અને તેઓ હસ્તાંતરણ યોગ્યપણે થાય તે માટે ૧૫ માર્ચ સુધી તેમના હોદ્દા પર ચાલુ રહેશે.જોકે, શેડો ચાન્સેલર જ્હોન મેક્ડોનેલે ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના વડા તરીકે બેઈલીની કામગીરી પ્રેરણાદાયી ન હોવાનું જણાવ્યું હતું.

એન્ડ્રયુ બેઈલીએ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર તરીકે પસંદ કરાયા બદલ અને યુનાઈટેડ કિંગ્ડમની જનતાની સેવાની તક મળી તે બદલ હું ગૌરવ અનુભવું છું. બેન્કનું કાર્ય અતિ મહત્ત્વનું છે અને તમામ કામગીરીમાં જાહેર હિતની ચોકસાઈ જાળવવાની માર્ક કાર્નીની કામગીરીને હું આગળ ધપાવીશ.’

 અત્યાર સુધી મિનોક શફિક ગવર્નરપદ હાંસલ કરશે તેવી અટકળો ચાલતી હતી. જો મિસ શફિકની વરણી થઈ હોત તો તેઓ ત્રણ સદી કરતાં વધુ જૂની બેન્કનું વડપણ કરનારાં પ્રથમ મહિલા બન્યાં હોત. ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું નામ પણ આ હોદ્દા માટે ચર્ચામાં હતું. જોકે, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ કેશિયર તરીકે થોડો સમય કામ કરનારા બેઈલીનું નામ મોખરે ચાલતું હતું. બ્રેક્ઝિટના કારણે હોદ્દા સાથે સંકળાયેલી જટિલતાના લીધે મોટા ભાગના ઉમેદવાર આ ભૂમિકા માટે રાજી ન થયાનું પણ કહેવાય છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter