GCSE અને A લેવલની ગુજરાતી પરીક્ષાઅો બચાવવાની ઝૂંબેશને સફળતા મળી છે અને હવે ગુજરાતી ભાષાની પરીક્ષાઅો વધુ એક વર્ષ સુધી લંબાવાઇ છે. હવે OCR દ્વારા વર્ષ ૨૦૨૦ સુધી GCSE અને એ-લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો લેવાશે અને ૨૦૨૦ પછી આ પરીક્ષાઅો પીયરસન એક્ઝામીનેશન બોર્ડ દ્વારા લેવામાં આવશે. આપણા સમુદાયની તેમજ આપણને સહકાર આપનાર વિવિધ રાજકીય પક્ષોના એમપી, લોર્ડ્ઝ અને સામાજીક અગ્રણીઅોની મહેનત સફળ થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાતી ભાષાની જાળવણી માટે શિક્ષકોના પરિસંવાદ અને બેઠકનું આયોજન ગત વર્ષે સંગત સેન્ટર, હેરો ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ભાષાની જાળવણી માટે સામાજીક સંસ્થાઅોના સહકારથી વિવિધ કાર્યક્રમો ઘડી કાઢવા ચર્ચા વિચારણા થઇ હતી. જેમાં હેરો વેસ્ટના એમપી બોબ બ્લેકમેન, લંડન એસેમ્બલીના સદસ્ય શ્રી નવિનભાઇ શાહ, તંત્રી શ્રી સીબી પટેલ અને વિવિધ ગુજરાતી સાળાઅો અને સંસ્થાના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી ભાષાની પરીક્ષાઅો બચાવવા માટે ઝૂંબેશ આદરનાર હેરો વેસ્ટના એમપી ગેરેથ થોમસે જણાવ્યું હતું કે 'ગુજરાતી સમુદાય માટે આ સફળતા ખરેખર ખૂબ જ ઝળહળતી છે. પરંતુ ગુજરાતી ભાષાની જાળવણી માટે તે જરાય પૂરતી નથી. ૨૦૧૦થી GCSEમાં ગુજરાતી ભાષાની પરીક્ષાઅો આપતા વિદ્યાર્થીઅોની સંખ્યામાં ૨૦%નો ઘટાડો થયો છે અને જે રીતે સ્થાનિક કાઉન્સિલ્સ દ્વારા બજેટમાં કાપ મૂકવામાં આવ્યો છે તેનાથી વિકેન્ડ દરમિયાન ચાલતી ગુજરાતી શાળાઅોને પણ માર પડ્યો છે. આમ થવાથી શાળાઅોએ વધુ ભાડુ ચૂકવવું પડશે અને ફી વધારવામાં આવતા વિદ્યાર્થીઅોની સંખ્યા ઘટશે.' ગેરેથ થોમસ દ્વારા એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગનને અપીલ કરતી પીટીશન તૈયાર કરાઇ હતી જેને ૮,૦૦૦ લોકોએ સહી કરીને અનુમોદન આપ્યું હતું.
લેસ્ટરની સ્પીનીહિલ ગુજરાતી શાળાના પેરેન્ટ્સ એસોસિએશનના વડા શ્રીમતી દક્ષાબેન પરમારે આ સફળતા માટે લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કિથ વાઝ અને એજ્યુકેશન મિનિસ્ટર નિકી મોર્ગન તેમજ સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'ગુજરાતી ભાષાની એ-લેવલ અને GCSEની પરીક્ષાઅો ૨૦૧૯ સુધી લેવાશે અને તે પરીક્ષાઅોમાં ફરીથી બેસવા માટે ૨૦૨૦ સુધી છૂટ આપવામાં આવી છે. તે પછી પીયરસન બોર્ડ દ્વારા આ પરીક્ષાઅો લેવામાં આવશે. આ નિર્ણયથી અમને સૌને ખૂબ જ આનંદ થયો છે અને લડત માટે સહકાર આપનાર સૌનો અમે આભાર માનીએ છીએ.'
કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ્સના ચેરમેન શ્રી જયંતભાઇ તન્ના, વિજયાબે ભંડેરી અને તેમની ટીમે ગુજરાતી વિષયની પરીક્ષાઅો માટે મદદ કરનાર હેરો ઇસ્ટના એમપી ગેરેથ થોમસ અને હેરો વેસ્ટના એમપી બોબ બ્લેકમેનનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી જયંતભાઇએ જણાવ્યું હતું કે 'ભલે આત્યારે આ સફળતા સાંપડી હોય પરંતુ તેને જાળવી રાખવા માટેે વાલીઅો, બાળકો, સામાજીક સંસ્થાોઅે, શિક્ષકો એ સતત મહેનત કરવી પડશે.

