લંડનઃ યુકેના સૌથી મોટા એસેસમેન્ટ બોર્ડ પૈકીના એક દ્વારા તૈયાર થઇ રહેલી યોજના અનુસાર GCSE ની અંગ્રેજીની પરીક્ષા હવે હાથથી લખવી પડશે નહીં. 2025થી અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સાહિત્ય વિષયો લેનારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવાબો ટાઇપ કરવાની પરવાનગી અપાશે. જોકે નિષ્ણાતો દ્વારા આ પગલાની આકરી ટીકા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ રીતે બાળકોની હાથથી લખવાની ક્ષમતાના અંતની શરૂઆત કરવી જોઇએ નહીં.
GCSE ના 1,25,000 અંગ્રેજીના વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવાબો ટાઇપ કરવા અથવા હાથથી લખવાના વિકલ્પની પસંદગીની તક અપાશે. ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન અને ઓફક્વાલ પણ આ યોજનાની સમીક્ષા કરી રહ્યાં છે.
જોકે નિષ્ણાતો વિદ્યાર્થીઓની હાથથી લખવાની ક્ષમતાના મહત્વ પર ભાર મૂકી રહ્યાં છે. તેમણે ચેતવણી આપી છે કે આ પ્રકારની વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ હાથથી લખવાની ક્ષમતા ગુમાવી દેશે. બાળકો માટે હેન્ડ રાઇટિંગ અત્યંત મહત્વની બાબત છે.


