લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં GCSE પાસ કરનારાની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, સતત ચોથા વર્ષે પણA* ગ્રેડ્સમાં ઘટાડો દેખાયો છે. માત્ર ૬.૬ ટકાને સૌથી ઊંચા ગ્રેડ મળી શક્યા છે. મેથ્સમાં પણ વિદ્યાર્થીઓનો દેખાવ સુધર્યો હતો આ વર્ષે ઉનાળામાં આશરે ૭૦૦,૦૦૦ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠાં હતા. ૧૦માંથી ઓછામાં ઓછાં સાત વિદ્યાર્થી ગ્રેડ-સી હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઈંગ્લિશ ભાષામાં ગ્રેડ-સી અથવા તેથી ઊંચો ગ્રેડ મેળવનારની સંખ્યામાં ૦.૪ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૧૩થી ઈંગ્લિશ અને મેથ્સ GCSEમાં ઓછામાં ઓછાં સી ગ્રેડ મેળવવામાં નિષ્ફળ વિદ્યાર્થીએ આ વિષયોનો અભ્યાસ ફરજિયાત ચાલુ રાખવાનો હતો. હજારો વિદ્યાર્થીઓએ બીજી વખતની પરીક્ષામાં આ વિષયોમાં સફળતા મેળવી હતી. ગયા વર્ષની સરખામણીએ GCSE પરીક્ષા આપનારા ૧૭ અને વધુ વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮.૨ ટકાના વધારા સાથે કુલ ૩૦૯,૮૪૬ થઈ હતી.
ગયા વર્ષે GCSEમાં મૂલ્યાંકન પદ્ધતિ બદલાતાં ઈંગ્લિશ ભાષામાં પાસ થનારાની સંખ્યા ઓછી હતી, જેમાં આ વર્ષે સુધારો થયો છે. જોઈન્ટ કાઉન્સિલ ફોર ક્વોલિફિકેશન્સ (JCQ)ના રાષ્ટ્રીય આંકડા અનુસાર જાતિગત ખાઈમાં ઘટાડો થયો છે. ૭૩.૧ ટકા છોકરીઓની સામે ૬૪.૭ ટકા છોકરાએ ઓછામાં ઓછાં સી-ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી હતી. ટકાવારીમાં ૮.૪ ટકાનો તફાવત રહ્યો હતો, જે ગયા વર્ષે ૮.૮ ટકા હતો.
મેથ્સમાં પણ વિદ્યાર્થીઓનો દેખાવ સુધર્યો હતો. ગ્રેડ-સી અથવા ઊંચા ગ્રેડ્સમાં ૦.૧ ટકાથી વધુનો વધારો થયો હતો, જ્યારે Aઅથવા A* ગ્રેડ મેળવનારની સંખ્યા ૧૫.૨ ટકાથી વધી ૧૬.૭ ટકા થઈ હતી. જોકે, એક અહેવાલ મુજબ ઈંગ્લેન્ડની સેકન્ડરી સ્કુલ્સમાં ગણિતના શિક્ષકોની ભારે અછત છે. ગયા વર્ષે મેથ્સના ૨,૦૯૨ શિક્ષકોની ભરતી થઈ હતી, જે લક્ષ્ય કરતા ૧૧ ટકા ઓછી હતી. આ વર્ષે ફ્રેન્ચ, સ્પેનિશ અને જર્મન ભાષા શીખનારા વિદ્યાર્થીની સંખ્યા પણ ઘટી છે.
નોર્ધર્ન આયર્લેન્ડમાં પરિણામ ૭૮.૭ ટકા સુધી વધીને સારું રહ્યું છે, જ્યારે વેલ્સમાં ૬૬.૬ ટકાના પરિણામમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, Aઅને A* ગ્રેડનું પ્રમાણ ઘટ્યું છે. ૧૭ અને વધુ વર્ષના વિદ્યાર્થીઓમાં મેથ્સની પરીક્ષા આપનારાની સંખ્યા ૩૦ ટકા વધીને ૧૩૦,૯૭૯ અને ઈંગ્લિશના પરીક્ષાર્થીઓની સંખ્યા ૨૩ ટકા વધીને ૯૭,૧૬૩ થઈ હતી. મેથ્સના આશરે ૪૭,૦૦૦ (૩૬ ટકા) પરીક્ષાર્થીને અને ઈંગ્લિશના આશરે ૩૪,૦૦૦ (૩૫ ટકા) પરીક્ષાર્થીને સી અથવા તેથી ઊંચો ગ્રેડ મળ્યો હતો.
મોટા પ્રમાણમાં માઈગ્રન્ટ્સ તેમની વિદેશી આધુનિક ભાષાની GCSE પરીક્ષા આપવા માતૃભાષાની પસંદગી કરી રહ્યા છે. પરંપરાગત આધુનિક ભાષાઓ ફ્રેન્ચ અને જર્મનના વળતાં પાણી થયાં છે. વિદ્યાર્થીઓનાં પરિણામો વધુ સારા રહે તે માટે પેરન્ટ્સ અને શાળાઓ પણ આગ્રહ રાખતી થઈ હોવાથી આગામી સમયમાં ઉર્દુ, પોલીશ અથવા મેન્ડેરિન સહિતની માતૃભાષામાં પરીક્ષા આપનારાની સંખ્યામાં નિશ્ચિત વધારો થશે. ફ્રેન્ચ અને જર્મન જેવી પરંપરાગત વિદેશી ભાષાના અભ્યાસ કરનારાની સરખામણીએ માતૃભાષાની પરીક્ષા આપનારને A* ગ્રેડ મળવાની શક્યતા ત્રણ ગણી વધી જાય છે.