લંડન
તાજેતરમાં જાહેર થયેલાં GCSEના પરિણામોમાં ઇંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પરિણામ જોવા મળ્યાં હતાં. કોરોના મહામારી પછી ઇંગ્લેન્ડમાં વિસ્તારો પ્રમાણે પરિણામમાં તફાવત ઊડીને આંખે વળગે તેવો છે. લંડનમાં 33 ટકા વિદ્યાર્થીઓએ 7/A ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો જેની સામે નોર્થ ઇસ્ટ, યોર્કશાયર અને હમ્બરમાં 20 ટકા વિદ્યાથીઓ જ 7/A ગ્રેડ હાંસલ કરવામાં સફળ રહ્યાં હતાં. ઇંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં પરિણામોમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગ્રેડ વચ્ચેનો તફાવત આ વખતે 0.9 ટકા રહ્યો છે જે 2019ના પરિણામ કરતાં વધુ છે. ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધન આર્યર્લેન્ડમાં GCSEના સરેરાશ 73.2 ટકા વિદ્યાર્થીઓએ 4/C ગ્રેડ હાંસલ કર્યો છે જે 2021ના 77.1 ટકા કરતાં ઘટ્યાં છે. 2021માં શિક્ષકો દ્વારા કરાયેલા એસેસમેન્ટના આધારે ગ્રેડ અપાયાં હતાં. 26.3 ટકા વિદ્યાર્થીઓએ 7/A ગ્રેડ હાંસલ કર્યો છે જે 2019ના 20.8 ટકા કરતાં વધુ અને 2021ના 28.9 ટકા કરતાં ઓછા છે. સ્કોટલેન્ડમાં 9મી ઓગસ્ટે પરીક્ષાના પરિણામ જાહેર કરાયાં હતાં જેમાં નેશનલ ફાઇવ લેવલ ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 80.8 ટકા રહી છે જે 2021માં 85.8 ટકા હતી. નોર્ધન આર્યર્લેન્ડમાં 37 ટકા વિદ્યાર્થીઓએ એ અથવા તો એ પ્લસ ગ્રેડ હાંસલ કર્યો છે. જે ઇંગ્લેન્ડના 26 ટકા અને વેલ્સના 25.1 ટકા કરતાં વધુ છે. કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર થયેલી અસરો અંગે એજ્યુકેશન ચેરિટી શાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ફિયોની સ્પેલમેન કહે છે કે પરિણામોમાં પ્રાદેશિક અસમાનતા પહેલેથી પ્રવર્તતી હતી પરંતુ હવે તે અસહ્ય બની છે. આ સ્થિતિ વિદ્યાર્થીઓ પર ઘણી અસર કરી રહી છે. તેની સામે લડવા શિક્ષકોને વધુ રિસોર્સિઝથી સજ્જ કરવા પડશે. ઇંગ્લેન્ડના સ્કૂલ મિનિસ્ટર વિલ ક્વિન્સ કહે છે કે કોરોના મહામારી શરૂ થઇ ત્યાં સુધી દર વર્ષે વિવિધ વિસ્તારોના પરિણામોની અસમાનતા ઘટી રહી હતી પરંતુ કોરોના મહામારી બાદ તેમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. આ અસમાનતાઓ દૂર કરવાની જવાબદારી સરકાર અને શાળાઓની છે.
પરિણામોમાં ઘટાડા માટે પ્રાઇવેટ સ્કૂલો દ્વારા સિસ્ટમ સાથે કરાયેલાં ચેડાં જવાબદાર
જીસીએસઇ અને એ-લેવલના પરિણામોમાં નાટકીય ઘટાડા માટે ઇંગ્લેન્ડની પ્રાઇવેટ સ્કૂલો દ્વારા ગયા વર્ષે સિસ્ટમ સાથે કરાયેલાં ચેડાંને જવાબદાર ગણાવવામાં આવ્યાં છે. ગયા વર્ષે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ગ્રેડ અપાયાં હતાં. પ્રાઇવેટ શાળાઓમાં 7 થી 9 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2021ના 61.2 ટકાથી ઘટીને આ વર્ષે 53 ટકા પર આવી ગઇ હતી. એ-લેવલમાં પણ પ્રાઇવેટ સ્કૂલોમાં એ પ્લસ અને એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2021ના 70 ટકાથી ઘટીને 58 ટકા પર આવી ગઇ છે. ગ્રામર સ્કૂલોમાં પણ એ પ્લસ અને એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 57 ટકાથી ઘટીને 50 ટકા પર પહોંચી છે.
14 વર્ષની ઇશા કારાવદરાએ 9 ગ્રેડ સાથે GCSE ગુજરાતી પાસ કરી
લેસ્ટરમાં માહેર સમાજના ઉપપ્રમુખ સંજય કારાવદરા 14 વર્ષીય દીકરી ઇશા કારાવદરાએ 9 ગ્રેડ સાથે GCSE ગુજરાતી પાસ કરી છે. GCSEમાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એમ કુલ ચાર પરીક્ષા આપવાની રહે છે. ઇશા કહે છે કે શ્રી હિન્દુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર ખાતે મેં કેટલાક બાળકોને બેઠેલાં જોયાં ત્યારે મારી ઉત્સુકતા વધી ગઇ હતી. મને જાણવા મળ્યું કે તેઓ ગુજરાતી ભાષા શીખી રહ્યાં છે. તેથી મેં પણ ગુજરાતી શીખવાનો નિર્ણય કર્યો જેથી હું મારા દાદા-દાદી સાથે સરળતાથી વાત કરી શકું અને મેં ગુજરાતીના વર્ગમાં હાજરી આપવાનું શરૂ કર્યું હતું. મેં ટેમ્પલ ખાતે ગુજરાતીનો અભ્યાસ કર્યો પરંતુ તેની પરીક્ષા લેસ્ટરમાં બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર ખાતે યોજાય છે. ગુજરાતી લખતા વાંચતા શીખ્યા પછી GCSEની પરીક્ષા આપવાનો સમય આવી ગયો હતો. 9 ગ્રેડ હાંસલ કરીને મને ઘણી ખુશી મળી છે. આ હાઇએસ્ટ ગ્રેડ છે.
92 વર્ષીય ડેરેક સ્કીપર GCSE પાસ કરનારા બ્રિટનના સૌથી વૃદ્ધ વ્યક્તિ
કેમ્બ્રિજશાયરમાં આવેલા ઓરવેલના 92 વર્ષીય ડેરેક સ્કીપર GCSE પરીક્ષા પાસ કરનારા બ્રિટનના સૌથી વૃદ્ધ વિદ્યાર્થી બન્યાં છે. તેમણે આ વર્ષના પ્રારંભમાં ફાઉન્ડેશન લેવલની મેથ્સની પરીક્ષા આપી હતી અને 5 ગ્રેડ હાંસલ કર્યો હતો. ડેરેકે જણાવ્યું હતું કે, મારું પરિણામ જોઇને હું ઘણો ખુશ થયો છું. નબળી આંખોના કારણે ડેરેકે મેગ્નિફાઇંગ ગ્લાસની મદદ વડે પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવા માટે તે પોતાની સાથે 1946માં પરીક્ષા આપતી વખતે વાપરેલી ફૂટપટ્ટી પણ સાથે લઇ ગયા હતા. ડેરેક કહે છે કે હું નાપાસ થયો હોત તો પણ મને આશ્ચર્ય ન થાત કારણ કે હું બરાબર જોઇ શક્તો નથી.
8 વર્ષના કામરાન હારૂને મેથ્સ GCSEની પરીક્ષા પાસ કરી
બર્મિંગહામના કામરાન હારૂને યર થ્રીમાં ફક્ત આઠ વર્ષની ઉંમરે મેથ્સ GCSEની પરીક્ષા સારા ગ્રેડ સાથે પાસ કરી છે. કામરાન નર્સરીમાં હતો ત્યારથી જ સરવાળા અને બાદબાકીના દાખલા ગણી શક્તો હતો. ફક્ત 6 વર્ષની ઉંમરે તે પાયથાગોરસનો પ્રમેય રજૂ કરી શક્તો હતો. ચાર વર્ષની ઉંમરે તે તેના કરતા 3 વર્ષ મોટા બાળક કરતાં પણ સારી રીતે મેથ્સને સમજી અને ભણી શક્તો હતો. તેની માતા સમાઇરા કહે છે કે કામરાન બે વર્ષનો હતો ત્યારથી વસ્તુઓ ગણી શક્તો હતો.


