લંડનઃ સ્થાનિક NHS ટ્રસ્ટ્સમાંથી સંપૂર્ણ તાલીમબદ્ધ માનસિક આરોગ્ય નિષ્ણાતો તેમની સ્થાનિક GP સર્જરીઝમાં માનસિક આરોગ્યની વિશિષ્ટ સારવાર આપશે. માનસિક આરોગ્ય સમસ્યામાં વધારા સાથે સારવારની માગ વધી હોવાથી હજારો માનસિક આરોગ્ય નિષ્ણાતો બાયપોલાર, સાયકોસિસ અથવા ઈટિંગ ડિસઓર્ડર્સ સહિતની માનસિક સમસ્યાઓમાં કન્સલ્ટેશન્સ, સારવાર, સપોર્ટ અથવા હોસ્પિટલ ટીમને રેફરલ સહિતની સેવા આપશે અને આ માટે જીપી એપોઈન્ટમેન્ટની જરૂર પડશે નહિ.
NHS દ્વારા સ્થાનિક વિસ્તારોમાં GP પ્રેક્ટિસીસના દરેક ગ્રૂપમાં બે મેન્ટલ હેલ્થ પ્રેક્ટિશનર્સ માટે ફંડિંગ પૂરુ પડાશે. આનો અર્થ એ છે કે આશરે 2500 મેન્ટલ હેલ્થ નિષ્ણાતો વધારાની મદદ પૂરી પાડશે. નવી વ્યવસ્થામાં પ્રાઈમરી કેર અને મેન્ટલ હેલ્થ ટ્રસ્ટ્સ સાથે મળી પેશન્ટ્સને સિંગલ સર્વીસ પૂરી પાડશે જ્યારે ફેમિલી ડોક્ટર્સ રાબેતા મુજબની સારસંભાળ આપવા પૂરતો સમય ફાળવી શકશે. કોમ્યુનિટી સાઈકિયાટ્રિક નર્સીસ, ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ્સ અને મેન્ટલ હેલ્થ ઓક્યુપેશનલ થેોરાપિસ્ટ્સ સહિત આશરે 500 મેન્ટલ હેલ્થ પ્રેક્ટિશનર્સ સમગ્ર ઈંગ્લેન્ડમાં GP સર્જરીઝમાં હાલ કાર્યરત છે.
કોરોના મહામારી પછી NHSની માનસિક આરોગ્ય સેવાની માગમાં ગણનાપાત્ર વધારો થયો છે અને અગાઉની સરખામણીએ NHS દ્વારા બાળકો અને યુવા લોકોની સારવારમાં વધારો થયો છે. આ નવી ભૂમિકાઓ કોમ્યુનિટીઝમાં ગંભીર માનસિક બીમારીઓ ધરાવતા 370,000 વયસ્કો અને વયોવૃદ્ધોને પસંદગીની વ્યાપક તક અને માનસિક આરોગ્યનો સપોર્ટ પૂરો પાડવા NHSની મહત્ત્વાકાંક્ષાનો હિસ્સો છે જેથી માનસિક આરોગ્યના ઈનપેશન્ટ માળખામાં દાખલ કરવાની શક્યતા ઘટાડી શકાય.


