લંડનઃ આ વર્ષે પાર્લામેન્ટમાં દિવાળી વહેલી આવી ગઈ હતી. બુધવાર, ચોથી નવેમ્બરે હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા દિવાળીની ૧૪મી વાર્ષિક ઉજવણીનું આયોજન હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે કરાયું હતું. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર બ્રિટિશ હિન્દુઝના અધ્યક્ષ અને કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન અને હોમ એફેર્સ કમિટીના અધ્યક્ષ અને લેબર સાંસદ કિથ વાઝ આ કાર્યક્રમના સહપ્રાયોજક હતા. લોર્ડ ધોળકિયા, નાઈજેલ ડોડ્સ, સાંસદ કેરોલિન લુકાસ અને સાંસદ એન્ગસ રોબર્ટસને તેમાં સાથસહકાર આપ્યો હતો. HFBની સ્થાપના સમયે હેરોના લોર્ડ પોપટ દ્વારા અપાયેલા ‘પ્રાઉટ ટુ બી બ્રિટિશ, પ્રાઉડ ટુ બી એ હિન્દુ’ સૂત્રને જવાબદારી, ઉત્સાહ અને સહભાગી સાંસ્કૃતિક ઓળખની ભાવના સાથે આગળ વધારાઈ રહ્યું છે.
દિવાળી ઉજવણીમાં હિન્દુ સમુદાયના સભ્યો, આર્મ્ડ ફોર્સીસના કર્મચારી અને અધિકારીઓ, મંદિર સમુદાય, સમાજના અગ્રણીઓ અને કાર્યકરો, કાઉન્સિલરો અને તમામ પાર્ટીના સાંસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઉજવણીના આરંભે ભારતીય વૃંદગાન, રાકેશ જોશી અને ટીમ દ્વારા પ્રાચીન હિન્દુ પ્રાર્થના અને HFB મંત્રનું ગાન કરાયું હતું. એવોર્ડવિજેતા નૃત્યાંગના રાગસુધા વિન્જામુરિ-રાપ્ટવાર દ્વારા દેવી શક્તિનું ભાવવાહી પરફોર્મન્સ કરાયું હતું, જ્યારે પ્રતિભાશાળી વિન્ધ્યા રામાણીએ રામાયણની એક કથાનું નૃત્યસ્વરૂપે વર્ણન કર્યું હતું. થેમ્સ નદીના કિનારે આવેલા સુંદર સ્થળે કલાકારોની આ નૃત્ય અને સંગીતમય રજૂઆતોએ સુંદર સાંસ્કૃતિક પરિવેશ રચ્યો હતો. શ્રી સ્વામીનારાયણ મંદિર, કેન્ટનના સ્વયંસેવકોએ પરંપરાગત ‘તિલક’ અને ‘પ્રસાદ’થી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મંદિર દ્વારા અન્નકૂટનું પણ આયોજન કરાયું હતું.
દિવાળીની અનોખી ઉજવણીમાં ૮૦થી વધુ પાર્લામેન્ટેરિયન ઉપસ્થિત હતા, જેમાં ભારતના હાઈ કમિશનર રંજન મથાઈ, ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન, સાંસદ અને મિનિસ્ટર પ્રીતિ પટેલ, વિપક્ષના નેતા અને સાંસદ જેરેમી કોર્બીન, ગ્રીન પાર્ટીના નેતા અને સાંસદ કેરોલિન લુકાસ, હાઉસ ઓફ કોમન્સના સ્પીકર અને સાંસદ જ્હોન બેર્કો, લંડનના મેયરપદના કન્ઝર્વેટિવ ઉમેદવાર અને સાંસદ ઝેક ગોલ્ડસ્મિથ, સ્કોટિશ નેશનલ પાર્ટીના નેતા, ફર્સ્ટ મિનિસ્ટર ઓફ સ્કોટલેન્ડ અને સાંસદ એલેક્સ સાલમોન્ડ, ચેમ્પિયન ઓફ હિન્દુઝ અને હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન, કન્ઝર્વેટિવ ઉમરાવ અને કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સ્થાપક લોર્ડ ડોલર પોપટ સહિતના મહાનુભાવોનો સમાવેશ થયો હતો. પાદરી જેસી જેક્સન આ ઉજવણીમાં હાજરી આપવા યુએસથી ખાસ અહીં આવ્યા હતા.
તમામ ઉપસ્થિતોનું સ્વાગત કરતાં HFBના પ્રમુખ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે ‘પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે દિવાળીની આ ઉજવણી પાર્લામેન્ટેરિયન્સ તેમ જ હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રતિનિધિત્વ સાથે સમુદાયના સભ્યો વચ્ચે અનોખી ભાગીદારી છે. અમે એક વિશ્વ એક પરિવારની વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને દર્શાવતા ગૌરવ અનુભવીએ છીએ. તમામ પાર્ટીના પાર્લામેન્ટેરિયન્સ અમારી સાથે આ વિશિષ્ટ ઉત્સવની ઉજવણી કરવા આવ્યાં છે તે ગૌરવની વાત છે.’
ભારતના હાઈ કમિશનર રંજન મથાઈએ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે દિવાળીની વધુ એક ઉજવણી માટે અભિનંદન પાઠવવા સાથે આતુરતાપૂર્વક રાહ જોવાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાતની પણ વાત કરી હતી. હાઈ કમિશનરે ડાયસ્પોરા ચેમ્પિયન અને બ્રિટિશ રોજગાર મિનિસ્ટર પ્રીતિ પટેલ સાથે મળી દીપ પ્રગટાવ્યો હતો. મહેમાનોને આવકારતાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે હું હિન્દુ ફોરમ ઓફ બ્રિટનને દીપાવલિની શુભકામના પાઠવું છું. આપણે ઝળહળતાં નવા હિન્દુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ ત્યારે વડા પ્રધાનના ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે હું યુકે અને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવું છું. યુકેના ભારતીય ડાયસ્પોરાની પ્રતિભા, કૌશલ્ય અને સામુદાયિક ભાવના તેમ જ યુકે-ભારતના મજબૂત સંબંધોને વધુ વિકસાવવામાં તેઓ જે રીતે સક્રિય છે તેનાથી મને સતત પ્રેરણા મળતી રહે છે.’
‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર સાથે બોબ બ્લેકમેને વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમનું જોશ પેદા કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે,‘હું આ દેશના ઘણા શાંતિપ્રિય અને મહેનતુ બ્રિટિશ હિન્દુઓ સાથે ખભા મિલાવી કામ કરું છું. હું તમામ સ્તરે તમારા મુદ્દા અને ચિંતાને ઉઠાવતો રહીશ. સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુ સમુદાયના સભ્યો સામેના પ્રશ્નોને યોગ્યપણે દર્શાવવા સંયુક્ત મંચ બનાવવા તેમ જ મૂસ્કેલીના સમયે એકબીજાનો સાથ નિભાવવા હું આપ સહુને અનુરોધ કરું છું. હું પણ તમારા બધાની સાથે ૧૩મી નવેમ્બરે ભવ્ય સ્વાગત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ઉત્સાહી છું. સૌથી મોટી લોકશાહી ભારત અને સૌથી પ્રાચીન લોકશાહી ઈંગ્લેન્ડ વચ્ચે મહાન મિત્રતા નિહાળવાની આશા રાખું છું.’
કાર્યક્રમના કો-સ્પોન્સર સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું હતું કે,‘બ્રિટનમાં દિવાળીની ઉજવણીઓ ભારતની બહાર સૌથી મોટી છે અને તેના માટે ગૌરવ ધરાવીએ છે. આ ઐતિહાસિક ઈમારતમાં આયોજિત ઉજવણી ધાર્મિક કેલેન્ડરમાં સૌથી મહત્ત્વના ઉત્સવોમાંના એકને ઉજવવાની તક આપવા સાથે સાંસદો અને ઉમરાવોને સમગ્ર બ્રિટનના મતક્ષેત્રો સાથે દીપાવલિની શુભેચ્છાઓના આદાનપ્રદાનની પણ તક આપે છે. બ્રિટન અનેક આસ્થા અને સંસ્કૃતિઓનું રાષ્ટ્ર છે.’ ખુદ હાજર નહિ રહી શકેલા વડા પ્રધાન ડેવિડ કેમરને સંદેશ મોકલી દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે બિઝનેસ, મેડિસિન, સ્વૈચ્છિક સેવા, પોલીસ, લશ્કરી દળો, કાયદો અને પત્રકારત્વ સહિતના ક્ષેત્રોમાં હિન્દુઓના વ્યાપક પ્રદાનની પ્રશંસા કરી હતી.’