લંડનઃ રેવન્યુ અને કસ્ટમ્સ (HMRC) વિભાગના સ્ટાફને આ વર્ષે અને આગામી બે વર્ષ માટે પગારવધારો મળી શકશે. કામકાજની શરતોમાં સુધારાઓ સાથેની વેતનવધારાની ઓફરમાં ૨૦૨૦-૨૧ માટે સરેરાશ ત્રણ ટકાનો વધારો મળી શકે છે. યુનિયન્સ આગામી ત્રણ સપ્તાહમાં પે ડીલ બાબતે સભ્યોનો મત મેળવશે. જો સંમતિ સધાશે તો આ વર્ષનો વેતનવધારો માર્ચથી મળશે અને જૂન ૨૦૨૦થી અમલી ગણાશે.
૧૫ મહિનાથી વિચારણા હેઠળના પે ડીલમાં ટેક્સ એજન્સી HMRC તેના AA થી G6 ગ્રેડ્સના ૬૦,૦૦૦ કર્મચારીઓને આ વર્ષે સરેરાશ ત્રણ ટકાનો તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ માટે પાંચ ટકા ૨૦૨૨-૨૩ માટે સરેરાશ પાંચ ટકાનો વધારો ઓફર કરે છે. સીનિયર સિવિલ સર્વિસનું વેતન અલગથી નિશ્ચિત કરાયું છે. વર્કિંગ કન્ડિશન્સને વાજબી બનાવવા સ્ટાફ માટે કોન્ટ્રાક્ટ્સના ધોરણ પણ સુધારાશે તેમ પરમેનન્ટ સેક્રેટરી જિમ હારાએ જણાવ્યું હતું. આ ફેરફારથી કામકાજના કલાકો અને વાર્ષિક રજાઓના અધિકારો પણ ધોરણસરના બનાવાશે, તમામ સ્ટાફને અંશતઃ રિમોટ વર્કિંગનો હક રહેશે તેમજ એકસરખા કાર્ય માટે સ્ટાફને એકસરખું વેતન ચૂકવાશે.
ઓક્ટોબર ૨૦૧૯માં પરમેનન્ટ સેક્રેટરીપદે નિયુક્તિ પછી જિમ હારાએ ટ્રેઝરી સિલેક્ટ કમિટીને સ્ટાફમાં ભારે અસંતોષ હોવાનું જણાવી તત્કાળ વેતનવધારો અને માળખાકીય સમસ્યાઓ દૂર કરવા સુધારા જરુરી હોવાનું કહ્યું હતું. હવે અલગ અલગ કોન્ટ્રાક્સ અને શરતોના બદલે સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ અમલી બનાવાશે. જે કર્મચારીઓની તાજેતરમાં ભરતી થઈ હશે તેમને વધુ લાભ થવાની તેમજ ડિપાર્ટમેન્ટમાં લાંબા સમયથી કામ કરનારાને વાર્ષિક રજાઓમાં ઘટાડો તેમજ કામકાજની પેટર્ન્સમાં થોડા ફેરફાર જેવા વ્યક્તિગત ગેરલાભ થવાની શક્યતા છે.
કોન્ટ્રાક્ટમાં પૂર્ણકાલીન સ્ટાફ મ૩ટે સાપ્તાહિક ૩૭ કલાકનું કામકાજ અને વાર્ષિક ૨૫ દિવસની રજાઓનું સ્ટાન્ડર્ડ એલાવન્સ મળશે જે વધીને મહત્તમ ૩૦ દિવસનું થઈ શકે છે. કસ્ટમર સર્વિસ સ્ટાફને સપ્તાહમાં મહત્તમ એક દિવસ અને વર્ષમાં છ શનિવાર સાંજની શિફ્ટમાં કામ કરવાનું રહેશે. આ કોન્ટ્રાક્ટમાં દરેક અધિકારીએ સપ્તાહમાં ઓછામાં ઓછાં બે દિવસ ઘેર રહીને કામ કરવાનું રહેશે.

