લંડનઃ HSBCકોવિડ મહામારી દરમિયાન બેંકની આવકમાં ભારે ઘટાડો થવાને લીધે વિક્રમજનક ખૂબ ઓછા વ્યાજ દરને પહોંચી વળવાના પ્રયાસમાં ચાલુ ખાતા ધરાવતા ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલનારી યુકેની પહેલી મુખ્ય બેંક બને તેવી શક્યતા છે. યુકેમાં આ નિર્ણય વિવાદાસ્પદ બનશે કારણકે યુકેમાં મોટાભાગની બેંકો કરન્ટ ખાતા પર ચાર્જ વસૂલતી નથી. HSBC કેનેડા, અમેરિકા અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં મોટા ભાગના બેંક ખાતા માટે ચાર્જ વસૂલે છે. આ દેશોના ગ્રાહકો બેંકિંગ સર્વિસ માટે રકમ ચૂકવવા માટે ટેવાયેલા છે.
બેંકના ચીફ એક્ઝિક્યુટિવ નોએલ ક્વીને જણાવ્યું કે HSBCને યુકેમાં બેઝિક એકાઉન્ટ્સ પર ફી વસૂલ કરવાની અપેક્ષા ન હતી. જોકે, બેંકના મોટાભાગના ગ્રાહકો કે જેમના ઓવરડ્રાફ્ટ ફેસિલીટી સાથેના સ્ટાન્ડર્ડ બેંક ખાતા છે તેમના માટે ફ્રી બેંકિંગ ટૂંક સમયમાં બંધ થઈ જશે. બેંક દ્વારા ગયા વર્ષે જાહેર કરાયેલા આંકડા મુજબ યુકેના અંદાજે ૭૦ મિલિયન કરન્ટ ખાતામાંથી ૧૪ ટકા જેટલાં અથવા ૯.૮ મિલિયનથી વધુ ખાતા HSBC પાસે છે.
ક્વીને જણાવ્યું હતું કે ફીની સમીક્ષા યુકે જેવા દેશોમાં ખૂબ નીચા વ્યાજદર સાથે સીધી સંકળાયેલી છે. આ દેશોમાં ગયા માર્ચમાં વ્યાજ દર ૦.૧ ટકાના વિક્રમજનક નીચા દરે પહોંચી ગયો હતો. ડિપોઝિટો પર બેંક જે વ્યાજ ચૂકવે છે તેટલી રકમ તે લોન અને મોર્ગેજ પરના વ્યાજમાંથી મેળવતી નથી.
ક્વીને ઉમેર્યું હતું કે બેઝિક ખાતા કોઈ પણ ચાર્જ વિના ઓપરેટ કરી શકાશે. તેમણે ઉમેર્યું કે તેમનો પ્રોફિટેબલ બિઝનેસ જળવાઈ રહે તે માટે કસ્ટમર ક્ષેત્રમાં ફીના દરની યોગ્ય વ્યૂહનીતિ નક્કી કરવા માટે તમામ માર્કેટની સમીક્ષા કરાશે.