IS ત્રાસવાદીઓ દ્વારા બ્રિટિશરનો શિરોચ્છેદ

Friday 12th December 2014 08:14 EST
 
 

આતંકવાદીઓએ બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરનને ચેતવણી આપી હતી કે ISના વિરોધમાં અમેરિકા દ્વારા યુદ્ધની તૈયારીઓમાં બ્રિટને હાથ મિલાવવો જોઈએ નહિ, અન્યથા તેના માઠાં પરિણામ ભોગવવાં પડશે. ઇરાક અને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ બે અમેરિકન પત્રકારો જેમ્સ ફોલી અને સ્ટીવન સોટલોફનો શિરચ્છેદ કર્યા બાદ હવે બ્રિટનના નાગરિક ડેવિડ હેન્સનો શિરચ્છેદ કર્યાનો ૨૭ મિનિટનો વીડિયો ૧૩ સપ્ટેમ્બરે જાહેર કર્યો હતો. એરફોર્સના ૪૪ વર્ષીય પૂર્વ એન્જિનીઅર ડેવિડ હેન્સ ઉત્તર સીરિયામાં આટ્મેહ રેફ્યુજી કેમ્પમાં ફ્રેન્ચ એઈડ એજન્સી માટે માનવતાવાદી કામ કરતા હતા. તેમનું માર્ચ ૨૦૧૩માં અપહરણ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ મિલિટરીમાં ૧૯૮૮થી ૧૯૯૯ સુધી ૧૧ વર્ષ ગાળ્યા પછી ‘ક્રેઝી સ્કોટ્સમેન’ તરીકે જાણીતા હેઈન્સ વિશ્વના સૌથી સંઘર્ષરત વિસ્તારોમાં જરૂરતમંદોને મદદ કરવા દોડી જતા હતા. હેન્સની ૪૩ વર્ષીય પૂર્વ પત્ની લુઈ અને ૧૭ વર્ષીય પુત્રી બેથાની પણ આ ઘટનાથી આઘાતમાં સરી ગયાં છે. હેન્સની બીજી ક્રોએશિયન પત્ની ડ્રાગાનાથી તેમને ચાર વર્ષની પુત્રી પણ છે.

હત્યારાઓને સજા કરવા બ્રિટન કટિબદ્ધઃ કેમરન

જોકે, વડા પ્રધાન ડેવિડ કેમરને આ ઘટનાને સર્વથા શેતાની અને ઘાતકી કૃત્ય ગણાવી તેની નિંદા કરી હતી. તેમણે હેન્સને બ્રિટિશ હીરો ગણાવી બ્રિટનને તેમનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું. કેમરને નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘રાહત અને બચાવકાર્ય સહિતની કામગીરી બજાવનાર નિર્દોષ વ્યક્તિની હત્યા ઘાતકી અપરાધ છે. આ સમયગાળામાં અપ્રતિમ હિંમત અને ધીરજ દર્શાવનાર હેન્સના પરિવારજનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. ગમે તેટલો લાંબો સમય થાય, પરંતુ તેમને ન્યાય મળે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું. અમે આ હત્યા કરનારા લોકોને શોધી કાઢીશું અને તેમને સજા કરીશું. ડેવિડ હેઈન્સની હત્યાથી ઈસ્લામિક ત્રાસવાદીઓ દ્વારા સર્જાયેલા જોખમનો સામનો કરવાનો આપણો નિર્ધાર વધુ મજબૂત બનશે.’ તેમણે જણાવ્યું હતું કે શેતાનિયતના પ્રતીક સમાન ઈસ્લામિક સંગઠન ISને ખતમ કરવા અમે મક્કમ છીએ.

લશ્કરી કાર્યવાહીની માગ

બ્રિટિશ કાર્યકર હેન્સની હત્યા પછી બીજા બ્રિટિશ બંધક માન્ચેસ્ટરના એલાન હેનિંગ પર જોખમ વધી રહ્યું છે ત્યારે ISના ત્રાસવાદીઓ સામે લશ્કરી કાર્યવાહીની માગણી વધી છે. સાંસદો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ આ માગણીમાં જોડાયા છે. ગયા વર્ષે સીરિયા સામે હુમલાનો વિરોધ કરનારા સાંસદો પણ લશ્કરી હુમલાનું સમર્થન કરી રહ્યા છે. જોકે, કેમરન આગામી સપ્તાહે યુએન બેઠક પછી હવાઈ હુમલાઓની જાહેરાત કરે તેવી શક્યતા છે.

હેન્સને વિશ્વની અંજલિ
હેન્સના ભાઈ માઈકે પોતાના ભાઈને અંજલિ આપતા જણાવ્યું હતું કે મારો ભાઈ માનવતાવાદી કાર્ય માટે અતિ ઉત્સાહી અને જીવંત હતો. તે કોઈન પણ મદદ કરવા તત્પર રહેતો હતો. તેની ખોટ બધાંને સાલશે. તેમણે ઉમેર્યું હતું કે IS ના પાછા ફરતા ત્રાસવાદીઓએ તેમના કાર્યનું પરિણામ ભોગવવું જ પડશે. IS વિશ્વની તમામ વ્યક્તિની સલામતી સામે ખતરો જ છે. ઠંડા કલેજે ઘાતકી હત્યા કરાયેલા ડેવિડ હેન્સને સમગ્ર વિશ્વના નેતાઓએ અંજલી આપી છે. યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ‘જંગલી હત્યા’ને વખોડી તેના હત્યારાને ન્યાય સમક્ષ ખડો કરવાની પ્રતિજ્ઞા ઉચ્ચારી છે.

છેલ્લી સીરિયાયાત્રા હતી
ત્રણ-ચાર વખત સીરિયા જઈ આવેલા એકલ્સ, ગ્રેટર માન્ચેસ્ટરના ટેક્સી ડ્રાઈવર એલન હેનિંગની ડિસેમ્બરમાં આ છેલ્લી સીરિયાયાત્રા હતી. તેમની પત્નીએ સહાય સ્વયંસેવક તરીકે સીરિયા-ઈરાક ન જવા વિનંતી કરી હતી. પરંતુ જાન્યુઆરીમાં ઈસ્લામિક ત્રાસવાદીઓના હુમલામાં ડઝન જેટલા બ્રિટિશરમાંથી એકમાત્ર બીનમુસ્લિમ સહાય કાર્યકર તરીકે તેમને પકડી લેવાયા હતા. અન્ય લોકોને છોડી દેવાયા હતાં, તેમાંથી કોઈકે બ્રિટન પહોંચી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. હવે તેમના માથે મોત મંડરાઈ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter