લંડનઃ ચાન્સેલર રીવ્ઝના સ્પ્રિંગ સ્ટેટમેન્ટથી સ્પષ્ટ થયું છે કે સરકાર ઈન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ્સ (ISAs)માં સુધારા કરવાના વિકલ્પો તપાસી રહી છે. આના પરિણામે, રોકડ ISA એલાવન્સીસ બાબતે લાંબા ગાળે જોખમના મુદ્દે બચતકારોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉ વધુ લોકો તેમના નાણા રોકાણોમાં નાખે તે માટે ISA એલાવન્સીસનું વાર્ષિક ધોરણ 20,000 પાઉન્ડથી ઘટાડી 4,000 પાઉન્ડ કરવામાં આવે તેવા અહેવાલો મધ્યે બિલ્ડિંગ સોસાયટીઝ સહિતની અનેક સંસ્થાઓએ તેનો વિરોધ કર્યો હતો જ્યારે અન્યોએ આનાથી ઉભરતા રોકાણકારોને પ્રોત્સાહન મળશે તેવી દલીલ કરી હતી.
સ્પ્રિંગ સ્ટેટમેન્ટ દસ્તાવેજો અનુસાર સરકાર રોકડ અને ઈક્વિટીઝ વચ્ચે સંતુલન કરતા ઈન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ્સમાં સુધારાના વિકલ્પો તપાસી રહી છે જેથી બચતકારોને વધુ વળતર મળે, રીટેઈલ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય અને ગ્રોથ મિશનને સપોર્ટ મળે. આની સાથોસાથ લોકોને રોકાણો કરવામાં વિશ્વાસ ઉભો થાય તે માટે ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી સાથે મળી નવી સિસ્ટમ ઉભી કરવા સરકાર કામ કરી રહી છે.
બીજી તરફ, ટ્રેઝરી કોસ્ટિંગ્સ દસ્તાવેજોની ધારણા એવી છે કે સમગ્રતયા વાર્ષિક 20,000 પાઉન્ડની ISA લિમિટ 2029/30 સુધી યથાવત રખાશે.