લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની હત્યાના ષડયંત્ર તેમ જ બ્રિટનની શેરીઓમાં ત્રાસવાદી હુમલાનું આયોજન કરનારા ઈસ્લામિક સ્ટેટના બ્રિટિશ જેહાદીઓ રીયાદ ખાન (૨૧) અને રુહુલ અમીન (૨૬)ને ૨૧ ઓગસ્ટે સીરિયામાં રીપર ડ્રોન હુમલામાં ખતમ કરી દેવાયાની જાહેરાત કરીને ડેવિડ કેમરને સાંસદોને ચોંકાવી દીધા હતા. વડા પ્રધાને સંસદની અનુમતિ લીધા વિના જ ડ્રોન હુમલાનો આદેશ આપ્યો હતો. નોંધપાત્ર એ છે કે રોયલ એર ફોર્સની ટીમે લિંકનશાયરમાં ૩,૦૦૦ માઈલના અંતરેથી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
કેમરને જણાવ્યું હતું કે બ્રિટનમાં ત્રાસવાદી હુમલા નિષ્ફળ બનાવવા કાર્ડિફના રીયાદ ખાન અને એબરડીનના રુહુલ અમીન સામે લશ્કરી પગલાં લેવાયા હતા. આ સિવાય કોઈ માર્ગ બચ્યો ન હોવાનું તેમણે કહ્યું હતું. ત્રીજા બ્રિટિશ જેહાદી જુનૈદ હુસૈનને યુએસ લશ્કરી દળોએ ૨૪ ઓગસ્ટે હવાઈ હુમલામાં ખતમ કર્યો હતો.
RAFની ટીમે કુવૈતના હવાઈથાણા પરથી નીકળેલાં £૧૦ મિલિયનની કિંમતના અમાનવ હવાઈ યાન (યુએવી)નું સંચાલન લિંકનશાયરના વેડિંગ્ટન હબથી કર્યું હતું. ઈસ્લામિક સ્ટેટની કથિત રાજધાની રાક્કામાં વાહનમાં પ્રવાસ કરતા બ્રિટિશ જેહાદીઓને ડ્રોનહુમલાનો જરા પણ અણસાર ન હતો. નાના એક્ઝીક્યુટિવ જેટની સાઈઝના રીમોટ કન્ટ્રોલ્ડ ડ્રોનને ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઈથી લેસર ગાઈડેડ હેલફાયર મિસાઈલ ફાયર કરવાનો આદેશ અપાયો હતો. બ્રિટનના એકમાત્ર સશસ્ત્ર યુએવી રીપર દ્વારા ૧૦૦થી વધુ શત્રુ લક્ષ્યાંકોનો નાશ કર્યો છે.