KCL હિન્દુ સોસાયટી દ્વારા યુકેના પ્રથમ ધાર્મિક પ્રાર્થના ખંડનું ઉદ્ઘાટન

Wednesday 04th August 2021 05:23 EDT
 
 

લંડનઃ યુકેનો સર્વપ્રથમ ધાર્મિક પ્રાર્થના ખંડ કિંગ્સ કોલેજ લંડનના સ્ટાફ તથા તમામ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ વિદ્યાર્થીઓ માટે બુધવાર, ૩૦ જૂન ૨૦૨૧ના દિવસે ખુલ્લો મૂકાયો હતો. KCL હિન્દુ સોસાયટીની કમિટીઓના વર્ષોના અવિરત પ્રયાસો પછી આ લેન્ડમાર્ક પ્રોજેક્ટ પરિપૂર્ણ કરાયો હતો. કિંગ્સ કોલેજ લંડન ખાતે મલ્ટિ-ફેઈથ ફેસિલિટીનો અભાવ હતો ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓને તેમની ધાર્મિક ઓળખને અભિવ્યક્ત કરવા અને ઉજવણી કરવા કેમ્પસ પર એક ખંડની આવશ્યકતા વર્તાઈ હતી.

પ્રાર્થના ખંડ આધ્યાત્મિક કલ્યાણનું પ્લેટફોર્મ જ નથી પરંતુ, યુનિવર્સિટી અને વ્યાપક સમાજની મજબૂતાઈ અને સશક્તિકરણને ઉત્તેજન આપવાનું કાર્ય પણ કરે છે. નેશનલ કમિટી ઓફ NHSF (UK), KCL હિન્દુ સોસાયટીના વિદ્યાર્થીઓએ ઈચ્છિત પરિવર્તન સાધવા કિંગ્સ કોલેજ તથા કિંગ્સ કોલેજ લંડન સ્ટુડન્ટ્સ યુનિયનનો સહકાર મેળવ્યો હતો.

KCL હિન્દુ સોસાયટીના સહપ્રમુખ ધરા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘ધાર્મિક પ્રાર્થના ખંડમાં પગ મૂકવા સાથે જ તેની સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ થાય છે. અમને વિશ્વાસ છે કે આ એ સ્થળ બની રહેશે જ્યાં અમે હિન્દુ ધર્મના પાલનના મારા પ્રયાસો સુધારી શકીશું તેમજ અમારા ગુણો અને પાસાઓ પર ચિંતન કરી શકીશું.’ નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ અને KCL હિન્દુ સોસાયટીના પૂર્વ પ્રમુખ (૨૦૧૬-૨૦૧૭) ડો. અક્ષયા રાજાંગમને ૨૦૧૯માં નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સ કોન્ફરન્સમાં કિંગ્સના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

કિંગ્સના ડીન રેવ. ડો. એલન ક્લાર્ક-કિંગે સંસ્થાની વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટી વિશે ગર્વ દર્શાવી જણાવ્યું હતું કે, આ નવો ધાર્મિક પ્રેયર રુમ સ્ટાફ અને વિદ્યાર્થીઓને મળવા, ચર્ચાવિચારણા અને આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કરવાના સ્થળની ઓફર કરશે. NHSF (UK) નેશનલ પ્રેસિડેન્ટ ભવ્યા શાહે મૌન સાથે ઉપસ્થિતોનો આભાર માન્યો હતો અને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter