લંડનઃ રિસ્ક મિટિગેશન પ્રોફેશનલ રોડ્ડી કેક્સટન-સ્પેન્સર અને લંડન ચેમ્બર ઓફ આર્બિટ્રેશનના અધ્યક્ષ નિશ કોટેચાને લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (LCCI)ના અનુક્રમે નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રોડ્ડી કેક્સટન-સ્પેન્સરે જટિલ ગ્લોબલ ઈન્સ્યુરન્સ રિસ્ક્સના કામકાજમાં પોતાની કારકીર્દિ વીતાવી છે. તેમણે લોઈડ્ઝના બ્રોકર બેસો ગ્રૂપ્સ, તેના ઈન્ટરનેશનલ અને ઓવરસીઝ ઓપરેશન્સમાં ઉચ્ચ પદે કાર્ય કર્યું છે. તેઓ ૨૦૧૪થી LCCIના બોર્ડ અને ઈન્વેસ્ટમેન્ટ કમિટીના સભ્ય રહ્યા છે.
LCCI દ્વારા નવા ડેપ્યુટી ચેરમેન તરીકે નિશ કોટેચાની નિયુક્તિ કરાઈ છે. મિ. કોટેચા લંડન ચેમ્બર ઓફ આર્બિટ્રેશનના અધ્યક્ષ અને એશિયન બિઝનેસ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ છે. અનુભવી એન્ટ્રેપ્રીન્યોર કોટેચા ૨૦૧૬માં સ્ટાર્ટ-અપ ફિનબૂટના સહસ્થાપક હતા અને વર્તમાન ચેરમેન છે. આ કંપની બ્લોકચેઈન એપ્લિકેશન્સમાં યુનિક એન્ટરપ્રાઈઝ ગ્રેડ સ્યૂટ ઓફર કરે છે. મિ. કોટેચાએ અગાઉ સ્ફીઅર પાર્ટનર્સ, લેહમાન બ્રધર્સ, જેપી મોર્ગન અને BZW (બાર્કલેઝ)માં બેન્કર તરીકે સેવા આપી છે.
નિશ કોટેચાએ નિયુક્તિ પછી જણાવ્યું હતું કે, ‘ખુદ દીર્ઘકાલીન એન્ટ્રેપ્રીન્યોર રહેવાથી હું, નાના બિઝનેસીસને આગળ વધવામાં મદદ કરવાના LCCI ના ઉત્સાહનો સહભાગી છું. ડેપ્યુટી ચેરમેન તરીકેની મારી નવી ભૂમિકામાં મારા આશરે ૩૦ વર્ષના અનુભવને કામે લગાડવા આતુર છું. લંડન સ્ટાર્ટ્સ અપ માટે વિશ્વના અગ્ર મનાતા શહેરોમાં એક છે ત્યારે આપણા સહુના ફાયદા માટે નવતર પહેલ કરતી કંપનીઓ વિકસે તે માટે લંડન જેના માટે જાણીતું છે તે ઉદ્યોગસાહસિકતાની ભાવનાને મહત્ત્વ આપવાનું ચાલુ રાખીએ તે મહત્ત્વનું છે.’