નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK) યુકેના સભ્યોએ ભારતના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયના પ્રધાન ડો. મનસુખભાઈ માંડવિયા સાથે તાજ હોટેલ, સેન્ટ જેમ્સ‘સ પાર્ક ખાતે મુલાકાત યોજી હતી. ડો. માંડવિયા કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા ગ્લાસગો આવ્યા છે. આ મીટિંગ NCGO UKના પ્રેસિડેન્ટ વિમલજીભાઈ ઓડેદરાના પ્રયાસોથી શક્ય બની હતી. આ મીટિંગથી કોમ્યુનિટીના પ્રતિનિધિઓને મિનિસ્ટર માંડવિયા સાથે વાતચીત અને આપસી રસની બાબતોની ચર્ચા કરવાની તક સાંપડી હતી. પ્રતિનિધિમંડળે ડો. માંડવિયાને ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને તમામ સફળતાની શુભેચ્છા પાઠવી હતી તેમજ દેશની રમતગમતની સિદ્ધિઓ માટે ભારતીય ડાયસ્પોરાના સતત સપોર્ટનો પુનરુચ્ચાર કર્યો હતો.


