લંડન
એનએચએસ 111 પર મોટો સાયબર એટેક થવાના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ એમ્બ્યુલન્સ સેવા અને અર્જન્ટ એપોઇન્ટમેન્ટની સેવાથી વંચિત રહ્યાં હતાં. સિક્યુરિટી સર્વિસિઝ હવે આ મોટા સાયબર એટેકની તપાસ કરી રહી છે. હેકરો દ્વારા આરોગ્ય ક્ષેત્રની મહત્વની સેવા હેકરોના હુમલાના કારણે બંધ થઇ જતાં દેશભરમા એનએચએસ 111ના કર્મચારીઓને કાગળ અને પેનની મદદથી કામ કરવાની ફરજ પડી હતી. એનએચએસના સૂત્રોએ ચેતવણી આપી હતી કે ઇમર્જન્સીના કિસ્સામાં પણ દર્દીઓને સારવાર માટે સપ્તાહાંત સુધી રાહ જોવી પડી શકે છે. એનએચએસ પરના સાયબર હુમલાની વિપરિત અસરો મંગળવાર સુધી જારી રહી હતી. હેકરો દ્વારા એનએચએસ 111ને 85 ટકા સોફ્ટવેર સપ્લાય કરતી એડવાન્સ્ડ કંપનીને લક્ષ્યાંક બનાવવામાં આવી હતી. કંપની દ્વારા એનએચએસને અપાયેલી એડાસ્ટ્રા સિસ્ટમની મદદથી કોલ હેન્ડલર્સ એમ્બ્યુલન્સ મોકલી શકે છે, અર્જન્ટ એપોઇન્ટમેન્ટ આપી શકે છે અને ઇમર્જન્સી પ્રિસ્ક્રિપ્શનની કાર્યવાહી કરી શકે છે. કંપનીના કેરસિસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા 1000 કરતા વધુ કેર હોમ્સની સેવાઓને આ સાયબર હુમલામાં વિપરિત અસર થઇ હતી. કંપનીની રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરતી એનએચએસની મેન્ટલ હેલ્થ સેવાઓ પણ અસરગ્રસ્ત થઇ હતી.
એનએચએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમે હાલ તો એમ્યુલન્સની જરૂર હોય તેવા કેસોને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. આ માટે કોલ હેન્ડલર્સને એમ્બ્યુલન્સ મોકલવા વૈકલ્પિક સિસ્ટમનો ઉપયોગ કરવાની સૂચના અપાઇ હતી. નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરે જણાવ્યું હતું કે, અમે આ હુમલા પાછળના જવાબદારોને શોધી કાઢવા એડવાન્સ્ડ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
મોસ્કોથી સાયબર હુમલા કરાતા હોવાની શંકા
બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝિલેન્ડ અને અમેરિકા દ્વારા રચાયેલા ફાઇવ આઇઝ ઇન્ટરનેશનલ ઇન્ટેલિજન્સ એલાયન્સે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે રશિયાના યુક્રેન પરના હુમલા બાદ બ્રિટને લીધેલાં પગલાંને કારણે મોસ્કોથી સરકાર પ્રેરિત સાયબર હુમલાઓની સંભાવનામાં વધારો થયો છે. તેઓ એનએચએસ, ન્યુક્લિયર પાવર સ્ટેશનો અને સરકારી સેવાઓને નિશાન બનાવી શકે છે. રશિયા પર લદાયેલા આર્થિક પ્રતિબંધોને કારણે રશિયન સરકારમાં કામ કરતા હેકરો બદઇરાદાભરી સાયબર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. આ માટે એનએચએસના તમામ ટ્રસ્ટને માર્ચ મહિનામાં જ ચેતવણી જારી કરી તેમની સાયબર સુરક્ષા સિસ્ટમો મજબૂત બનાવવાના આદેશ આપી દેવાયાં હતાં.


