લંડનઃ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું છે કે વિદેશમાં રજાઓ ગાળવાનું શક્ય બનાવવા માટે NHS Covid-19 એપનો ઉપયોગ વેક્સિન પાસપોર્ટ તરીકે કરવામાં આવશે. ડોમેસ્ટિક કોરોના વાઈરસ સંબંધિત આંકડાઓ વિદેશ પ્રવાસ શરુ કરવા માટે પ્રોત્સાહનરુપ છે. શાપ્સે જણાવ્યું હતું કે લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે પોતાના વેક્સિન સ્ટેટસને સાબિત કરવા સ્માર્ટફોન એપનો ઉપયોગ કરી શકશે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે,‘વેક્સિન સર્ટિફેકેશનના સંદર્ભમાં હું કહી શકું કે અમે NHS એપ પર કામ કરી રહ્યા છીએ જે એપોઈન્ટના બૂકિંગ, તમે વેક્સિન લીધી છે કે નહિ અથવા ટેસ્ટિંગ વિશેની માહિતી દર્શાવશે. આને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાય તેની કાર્યવાહી પણ ચાલી રહી છે.’
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી શાપ્સે જણાવ્યું હતું કે તેઓ ટુંક સમયમાં જોખમ આધારિત કયા દેશો ‘ગ્રીન, યલો અને રેડ ઝોન’ કેટેગરીમાં મૂકાશે તેની જાહેરાત કરશે. વડા પ્રધાન જ્હોન્સનના નિયંત્રણો હળવા કરવાના રોડમેપ અનુસાર ૧૭ મેથી ઈંગ્લેન્ડના લોકો આનંદપ્રમોદ માટે વિદેશપ્રવાસ કરી શકે તે શક્ય બનશે. યુકેના કોરોના વાઈરસ આંકડા વિદેશપ્રવાસ શરુ કરાવવા માટે પ્રોત્સાહક છે.