NHS London દ્વારા બેન્ક હોલીડે અગાઉ સ્વાસ્થ્યની કાળજી રાખવા પ્રોત્સાહન

Wednesday 26th April 2023 05:31 EDT
 
 

લંડનઃ પહેલી મેના લેબર ડે નિમિત્તે બેન્ક હોલીડે છે ત્યારે NHS London દ્વારા લોકોને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા પ્રોત્સાહન અપાયું છે. આરોગ્યની વર્તમાન હાલત સંદર્ભે દવાઓ વહેલી મંગાવી રાખવા અને રીપીટ પ્રિસ્ક્રીપ્શન્સનો ઓર્ડર કરી લેવા પણ અનુરોધ કરાયો છે. લાંબા વીકએન્ડ દરમિયાન, કેટલીક જીપી સર્જરીઝ અને ફાર્મસીઝ બંધ રહેશે અથવા કામના કલાકો ઓછાં હશે આથી, લંડનવાસીઓએ તેમની હેલ્થકેર જરૂરિયાતોનું આયોજન કરતી વેળાએ આ બાબતો ધ્યાને રાખવી જરૂરી છે.

કેટલીક સ્થાનિક ફાર્મસીઓ બેન્ક હોલીડે દરમિયાન અલગ ઓપનિંગ ટાઈમ ધરાવતી હશે. લાંબા વીકએન્ડ ગાળામાં ખુલ્લી રહેનારી ફાર્મસીઓ વિશે ‘NHS Find a Pharmacy’ સાઈટ પરથી જાણી શકાશે. ફાર્માસિસ્ટ્સ એશિયન કોમ્યુનિટીના લોકોને હળવી બીમારીઓ સંદર્ભે તેમની પાસે આવવા પ્રોત્સાહિત કરી રહી છે જ્યારે તાકીદની મેડિકલ અથવા ડેન્ટલ સારસંભાળની મદદ માટે NHS 111 ઓનલાઈન શ્રેષ્ઠ પોર્ટલ બની રહેશે જ્યાં તાલીમબદ્ધ એડવાઈઝર યોગ્ય સલાહ પૂરી પાડશે.

પહેલી મેના બેન્ક હોલીડે ઉપરાંત, રોયલ કોલેજ ઓફ નર્સીંગે નર્સીસ દ્વારા હડતાળની જાહેરાત કરી છે જે રવિવાર 30 એપ્રિલથી મંગળવાર 2 મે સુધી ચાલશે જેની ગંભીર અસર NHS ની સેવા પર પડશે. આથી ઈમર્જન્સી પેશન્ટ્સને સંભાળ મળી રહે તે રીતે લોકો ઈમર્જન્સી સેવાનો ઉપયોગ કરે તે મહત્ત્વનું છે. જો લક્ષણો ગંભીર જણાય તો ફાર્માસિસ્ટ્સ તમારે્ જરૂરી મદદ મળે તે માટે યોગ્ય ક્લિનિકલ તાલીમ ધરાવતા હોય છે અને જરૂર જણાય તો પેશન્ટને જીપી અથવા A&E પાસે મોકલી શકે છે. વોન્ડ્ઝવર્થના પર્લ કેમિસ્ટ ખાતે ફાર્માસિસ્ટ કેતન અગ્રાવતે કહ્યું છે કે,‘બેન્ક હોલીડે વીકએન્ડ ગાળામાં કેટલીક જીપી સર્વિસીઝ બંધ હોય અને હડતાળના લીધે ઈમર્જન્સી વિભાગો વ્યસ્ત હોય ત્યારે કોઈ પણ ચિંતાજનક આરોગ્ય સમસ્યાઓ માટે ફાર્માસિસ્ટના સપોર્ટ માટે આગળ આવવા અમે કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરીએ છીએ.

અમે તાલીમબદ્ધ હેલ્થકેર પ્રોફેશનલ્સ છીએ અને પેટની તકલીફ, દુઃખાવો અને પીડા, ત્વચાની બીમારી, માસિક સ્રાવના દુઃખાવા અને આધાશીશી જેવી સામાન્ય નાની-મોટી આરોગ્ય સમસ્યાઓ સંબંધે યોગ્ય સારવારની ભલામણ કરી શકીએ છીએ. જો તમને અસ્વસ્થતાનો અનુભવ થતો હોય તો સ્થિતિ વધુ ગંભીર થવાની રાહ જોયા વિના નિષ્ણાત સલાહ મેળવવા તમારા સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે ચર્ચા કરશો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter