NHS કટોકટીઃ ૨૩ હોસ્પિટલો દ્વારા બ્લેક એલર્ટ

Wednesday 18th January 2017 05:18 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડની હોસ્પિટલો ભરચક થઈ જતાં પેશન્ટ્સને પથારી, સારવાર અને સલામતીની ખાતરી ન આપી શકાતાં ૨૩ જેટલી NHSહોસ્પિટલોએ બ્લેક એલર્ટ જાહેર કર્યો હતો. કેન્સરના ઓપરેશનો રદ કરાયા હતા તેમજ બર્થિંગ સેન્ટર પણ બંધ કરી દેવાયું હતું. આગામી સપ્તાહોમાં સમગ્ર દેશમાં અસામાન્ય ઠંડીની મોસમના લીધે શ્વાસોચ્છવાસ સહિતની સમસ્યાઓ વધવાથી હાલાકી વધશે તેવી પણ ચેતવણી અપાઈ છે. દરમિયાન, વડાપ્રધાન થેરેસા મેની ટીમના વરિષ્ઠ સભ્યોએ હોસ્પિટલોમાં વધતી અરાજકતા માટે NHSના ચીફ એક્ઝિક્યુટિવ સાયમન સ્ટીવન્સનની નબળી કામગીરીને જવાબદાર ઠેરવી છે. નેશનલ ઓડિટ ઓફિસના અહેવાલ મુજબ ઓફિસ કામકાજના સમય દરમિયાન GP દ્વારા ઓપરેશન્સ ન કરાતા હોવાથી એક્સિડન્ટ એન્ડ ઈમરજન્સીની કટોકટીમાં વધારો થયો છે.

સારસંભાળની જરૂર હોય તેવા પેશન્ટ્સની સંખ્યામાં અભૂતપૂર્વ ધસારો થવાના કારણે ઈંગ્લેન્ડની ૨૩ NHS હોસ્પિટલોએ પેશન્ટ્સની સલામતી તેમજ તેમને સામાન્ય સારવારની ખાતરી આપવાની અશક્તિ દર્શાવી એલર્ટ જાહેર કર્યો હતો. સારવારની માગમાં ભારે ઉછાળાના લીધે કેન્સરના ઓપરેશનો રદ કરવા, બાળકોના વોર્ડમાં વયસ્કોને સારવાર તેમજ બર્થિંગ સેન્ટર બંધ કરવા સહિતના પગલાં લેવાની ફરજ પડી છે. પેશન્ટ્સને A&E સ્ટાફની દેખરેખ હેઠળ રખાય તે અગાઉ એમ્બ્યુલન્સીસમાં જ રાખવાની ફરજ પડે છે.આવી કટોકટી અનુભવી રહેલી હોસ્પિટલોમાં રોયલ ગ્લેમોર્ગન હોસ્પિટલ, યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટ, નોટિંગહામ યુનિવર્સિટી હોસ્પિટલો, ગિલ્ડફર્ડમાં ધ રોયલ સરે હોસ્પિટલ, બાથની રોયલ યુનાઈટેડ હોસ્પિટલ, એસેક્સની બ્રૂમફિલ્ડ હોસ્પિટલ, સાઉથ લંડનની લેવિશામ હોસ્પિટલ, હલ રોયલ ઈન્ફર્મરી સહિતનો સમાવેશ થાય છે.

A&E ડોક્ટર્સનું પ્રતિનિધુત્વ કરતી ધ રોયલ કોલેજ ઓફ ઈમર્જન્સી મેડિસિન દ્વારા ચેતવણી અપાઈ છે કે NHSની અત્યંત ખરાબ હાલતમાં શિયાળાની મોસમના કારણે વધુ અરાજકતા વ્યાપી જશે અને A&E સિસ્ટમ ભાંગી પડવાના આરે છે. હોસ્પિટલોની મુખ્ય સમસ્યા પથારીઓ ખાલી કરવા વયોવૃદ્ધ પેશન્ટ્સને ડિસ્ચાર્જ કરવા સંબંધિત છે. સ્થાનિક સોશિયલ કેર અપૂરતી હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી શકાતા નથી અને પથારીઓ ભરાયેલી રહે છે.

સાત દિવસ સર્જરીઝ ખુલ્લી રાખવા થેરેસાનો આદેશ

વડા પ્રધાન થેરેસા મેએ કટોકટીને હલ કરવા જનરલ પ્રેક્ટિશનર્સ (GP)ને સપ્તાહના સાતેય દિવસ સર્જરી ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. NHS હોસ્પિટલોમાં ભરાવો થતો અટકાવવા જીપીએ સવારના આઠથી રાત્રિના આઠ સુધી સર્જરીમાં એપોઈન્ટમેન્ટ્સ આપવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું. સર્જરી ખુલ્લી નહિ રાખવા માટે તેમના વિસ્તારમાં ડિમાન્ડ ન હોવાનું તેમણે પુરવાર કરવાનું રહેશે. જો આમ નહિ થાય તો સર્જરીના કલાકો વધારવા NHSને વધારાનું ભંડોળ અપાય છે તેનો લાભ જીપી મેળવી નહિ શકે. બીજી તરફ, બ્રિટિશ મેડિકલ એસોસિયેશને NHSમાં ભંડોળની કટોકટીનું નિરાકરણ લાવવાના બદલે ડોક્ટરોને ‘બલિના બકરા’ બનાવવાનો આક્ષેપ મિનિસ્ટર્સ પર લગાવ્યો છે. જીપીની મુલાકાત ન મળવાથી પેશન્ટ્સ હોસ્પિટલોના કેઝ્યુલિટી વિભાગોમાં દોડી જાય છે. હજારો જીપી સર્જરીઝ બપોર પછી બંધ રહે છે અને કેટલીકમાં ત્રણ કલાકનો લંચબ્રેક લેવાય છે.

૨૫ ટકાથી વધુ A&Eવોર્ડ્સ અસુરક્ષિત

NHSના દર ચાર પૈકી એક વોર્ડ અસુરક્ષિત હોવાની ડોક્ટરોએ ચેતવણી ઉચ્ચારી છે. રોયલ કોલેજ ઓફ ઈમરજન્સી મેડિસીનના પ્રેસિડેન્ટ તાજ હસને જણાવ્યું હતું કે NHSના સૌથી વ્યસ્ત દિવસ બાદ ૨૫ ટકા કરતાં વધુ એક્સિડન્ટ એન્ડ ઈમરજન્સી (A&E)વોર્ડ્સમાં ભારે ધસારો રહ્યો હતો. આ વોર્ડ્સ દ્વારા સુરક્ષા માટેના ‘મેજિક માર્ક’ એવા ચાર કલાકમાં ૭૫ ટકા કરતાં ઓછા દર્દીઓની તપાસ થવાથી નિદાનમાં, એન્ટિબાયોટિક્સ આપવામાં, દર્દીને પીડામાંથી રાહતમાં વિલંબ થાય છે અને દર્દીની ગરિમા જળવાતી નથી.

તાજ હસને ઉમેર્યું હતું કે સિસ્ટમ પર્ફોર્મન્સના તમામ માપદંડ સ્પષ્ટ દર્શાવે છે કે છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયથી કામગીરીનું સ્તર સૌથી નીચું છે. કેટલીક હોસ્પિટલોમાં A&E વોર્ડ્સમાં દર્દીઓની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો નોંધાયો હતો. ગત વર્ષના છેલ્લાં સપ્તાહમાં A&E વોર્ડ્સમાં ૩,૭૨,૦૦૦ દર્દીઓ નોંધાયા હતા, જે અગાઉ કરતાં ૪૦,૦૦૦ વધારે હતા.

યુરોપમાંથી સેંકડો સ્ટાફ ભરતી કરાશે

હેલ્થ સર્વિસની કટોકટીનો સામનો કરવા સત્તાવાળા યુરોપ તરફ નજર દોડાવી છે. પોલેન્ડ, ગ્રીસ અને લિથુઆનિઆ જેવાં દેશોમાંથી સેંકડો જનરલ પ્રેક્ટિશનર્સની ભરતી કરવામાં આવનાર છે. આ જીપીને બ્રિટન આવવા માટે ૯૦,૦૦૦ પાઉન્ડનું વેતન અને આકર્ષક સવલતો સાથેના પેકેજની ઓફર કરવામાં આવશે. NHS England ની નવી યોજના અનુસાર ઈયુ દેશોના ડોક્ટરો બ્રિટન કામ કરતા થાય તે પહેલા પોલેન્ડમાં ૧૨ સપ્તાહની તાલીમ આપવામાં આવશે. બ્રેક્ઝિટ અગાઉ ડોક્ટર્સને યુકે લાવવાની યોજનાના ભાગરૂપે ક્રોએશિયા, લિથુઆનિઆ, ગ્રીસ, સ્પેન અને પોલેન્ડથી ૫૦૦ ડોક્ટરની ભરતી કરી દેવાઈ છે. યુકેમાં ૨૦૨૦ સુધીમાં ૧૦,૦૦૦ જીપીની અછત સર્જાશે તેવી ચેતવણી પણ અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter