લંડનઃ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની મહામારી ચાલી રહી છે ત્યારે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના કર્મચારીઓ બસ અને ટ્રામમાં મફત મુસાફરી કરી શકશે. વેસ્ટ મિડલેન્ડ્સમાં આ મહામારી ચાલે ત્યાં સુધી એનએચએસ સ્ટાફ દરેક બસ અને ટ્રામમાં પોતાના કામના સ્થળે તથા ઘરે પહોંચવા માટે મફતમાં મુસાફરી કરી શકશે. પ્રવાસ દરમિયાન તેમણે પોતાનો એનએચએસ પાસ દર્શાવવો પડશે.
નેશનલ એક્સપ્રેસ વેસ્ટ મિડલેન્ડસ,ડાયમન્ડ લેન્ડ ફ્લાઇટ અને કલેરી બેલ,બાન્ગા, કોવેન્ટ્રી કોમ્યુનિટી ટ્રાન્સપોર્ટ, એવરગ્રીન (થાન્ડી), જ્હોન્સન્સ, કેવ્સ કાર, સિલેક્ટ બસ, ટ્રાવેલ ડિકરસી અને વોલશેલ કોમ્યુનીટી ટ્રાન્સપોર્ટની સાથે વેસ્ટ મીડલેન્ડસ મેટ્રો સર્વિસીસને પણ આ અંગે સૂચના અપાઈ ગઇ છે. મહત્ત્વના હોદ્દા પર જવાબદારી નિભાવનારા કર્મચારીઓના શાળાએ જનારા સંતાનો પણ આ સેવાનો લાભ મેળવી શકશે.જોકે તે માટે શાળાએ જવું આવશ્યક હોવાનો પત્ર રાખવો પડશે. વેસ્ટ મીડલેન્ડસના મેયર એન્ડી સ્ટ્રીટે કહ્યું હતું કે આવા કપરા સમયે અમે શક્ય એ રીતે એનએચએસ કર્મચારીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. મને ખુશી છે કે અમારી બસ અને ટ્રામ સેવાનો તેઓ વિનામૂલ્યે લાભ લઇ શકશે.