લંડનઃ NHS દ્વારા તેના પેશન્ટ્સ માટે ખરીદાતાં ઔષધોની કિંમતમાં વધારા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સાંઠગાંઠ કરનારા મૂળ ગુજરાતી અમિત પટેલને કોમ્પિટિશન કાયદાનો ભંગ કરવા બદલ કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (CMA) દ્વારા પાંચ વર્ષ સુધી યુકેની કોઈ કંપનીમાં મેનેજમેન્ટ ભૂમિકા માટે ગેરલાયક ઠરાવી પ્રતિબંધ મૂકાયો છે. ઓડેન મેકેન્ઝી ફાર્માસ્યુટિકલ કંપનીના પૂર્વ માલિક અમિત પટેલે સ્વીકાર્યું હતું કે તેમણે અન્ય કંપનીઓ સાથે ગેરકાયદે સોદાબાજી કરી હતી જેનાથી ડ્રગ્સની કિંમતોમાં આશરે ૧૯૦૦ ટકા સુધીનો વધારો થયો હતો. ઓડેન મેકેન્ઝી અને અન્ય કંપની એકોર્ડ યુકેને દંડ તરીકે ૧ મિલિયન પાઉન્ડ NHSને ચૂકવવા ગત વર્ષે આદેશ કરાયો છે.
એડિસન્સ ડિસીઝના દર્દીઓ માટે જીવનરક્ષક દવાની કિંમત પ્રતિ ટેબ્લેટ ૫ પેન્સથી વધારી ૧ પાઉન્ડ કરાઈ હતી જ્યારે એન્ટિડિપ્રેસન્ટની પ્રતિ પેકેટ કિંમત ૧૨ પાઉન્ડથી વધારી ૭૨ પાઉન્ડ કરી દેવામાં આવી હતી. આ ભારે ભાવવધારાથી NHSને વધારાના ૪૮ મિલિયન પાઉન્ડનો બોજો પડ્યો હતો. ચાર કંપનીઓ દ્વારા ૭૦થી વધુ સસ્તી દવાઓનો ભાવ વધારી દેવાથી NHSને માત્ર ૨૦૧૬માં જ વધારાના ૩૭૦ મિલિયન પાઉન્ડ ખર્ચનો બોજો પડ્યો હતો.
ઓડેન મેકેન્ઝીના પૂર્વ માલિક અમિત પટેલે બે દવાના સંદર્ભે કોમ્પિટિશન કાયદાનો ભંગ કર્યાનું કબૂલી એક સાથે અમલી રહેનારા બે પ્રતિબંધો સ્વીકાર્યા હતા. પટેલે ૨૦૧૪ અને ૨૦૧૫ના ૯ મહિનાના ગાળામાં હરીફ કંપની કિંગ ફાર્માસ્યુટિકલ્સ સાથે મળી એન્ટિડિપ્રેસન્ટ ડ્રગ્સ નોરટ્રિપ્ટીલાઇનની અલગ અલગ માત્રાના સપ્લાયનું માર્કેટ ફિક્સ કર્યું હતું. સ્પર્ધા ન રહેવાથી દવાઓના ઊંચા ભાવ ચૂકવવા NHSને ફરજ પડી હતી જેનાથી, કરદાતાઓના શિરે ૬ મિલિયન પાઉન્ડના બદલે ૩૦ મિલિયન પાઉન્ડનો બોજો આવ્યો હતો. ઓડેન મેકેન્ઝી દ્વારા કિડની પેશન્ટ્સ માટે ઉત્પાદિત હાઈડ્રોકોર્ટિસોનની ૧૦ પિલ્સના બોક્સની કિંમત NHS ને ૨૦૦૮માં પાચ પાઉન્ડમાં પડતી હતી પરંતુ, માત્ર બે વર્ષ પછી તેની કિંમત વધીને ૪૪.૪૦ પાઉન્ડ થઈ ગઈ હતી.
તેણે ૨૦૧૬માં સાઉથ આફ્રિકન ડ્રગ ઉત્પાદક એસ્પેન ફાર્માકેર અને ડચ કંપની ટિયોફાર્મા વચ્ચે સમજૂતી કરાવી હતી જેના પરિણામે, એસ્પેન ફાર્માકેર એડ્રેનલ ગ્લેન્ડના જીવલેણ ડિસઓર્ડર એડિસન્સ ડિસીઝના હજારો દર્દીઓ દ્વારા લેવાતી ફ્લુડ્રોકોર્ટિસોન ૧૦૦ mcg ટેબલેટ્સના એકમાત્ર સપ્લાયર બની હતી. પટેલ ભાવવધારા માટે સીધા જવાબદાર ન હતા પરંતુ, તેમણે કરાવેલી સમજૂતીમાં એસ્પેન આ દવાનો ભાવ વધારશે તેવી જોગવાઈ હતી. ભાવવધારાથી NHSને ત્રણ વર્ષના ગાળામાં વધારાના ૩૦.૯ મિલિયન પાઉન્ડ ચૂકવવા પડ્યા હતા અને પટેલની કંપનીને માર્કેટમાંથી બહાર રહેવા બદલ એસ્પેનના નફામાંથી ૩૦ ટકા હિસ્સો મળ્યો હતો.
અમિત પટેલે ૨૦૦૧માં રાયસ્લિપના બરી રોડ ખાતે ઓડેન મેકેન્ઝીની સ્થાપના કરી હતી અને ૨૦૧૫માં ૩૦૬ મિલિયન પાઉન્ડમાં વેચી હતી પરંતુ, ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં સક્રિય રહેવા એમિલ્કો કન્સલ્ટન્સી ફર્મ સ્થાપી હતી. અમિત પટેલ અને તેની બહેને ૪૫૦ મિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે એપ્રિલ ૨૦૨૦માં ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. કંપનીએ કોમ્પિટિશન કાયદાનો ભંગ કર્યા બદલ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ડાયરેક્ટરને ગેરલાયક ઠરાવાયાની આ બીજી ઘટના છે. અગાઉ, કિંગ્સના એક ડાયરેક્ટર ફિલિપ હોલવૂડ સામે નોરટ્રિપ્ટીલાઇન દવા માટે માર્કેટ ફિક્સિંગ બદલ સાત વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો.