લંડનઃ NHS દ્વારા 50થી વધુ વયના અને સેકન્ડરી સ્કૂલના 11થી 15 વર્ષની વયનાં બાળકોને 2022/23 સીઝનમાં મફત ફ્લુ વેક્સિન આપવાનું બંધ કરવા નિર્ણય લેવાયો છે. આર્થિક કારણોસર લેવાયેલા આ નિર્ણયથી 50વર્ષથી વધુ વયના 10 મિલિયન લોકોને અસર પહોંચશે. ઉલ્લેખનીય છે કે આ શિયાળામાં 35 મિલિયન લોકોને મફત વેક્સિન્સ પૂરી પડાઈ હતી. બ્રિટનમાં ફ્લુની સૌથી ભયાનક સીઝન જોવાં મળશે તેવો ભય ખોટો પુરવાર થયો હતો. ઉલ્લેખનીય છે કે 1એપ્રિલથી ફ્રી કોવિડ ટેસ્ટ પણ બંધ થવાના છે, જેની પાછળ માસિક 2 મિલિયન પાઉન્ડ જેટલો ખર્ચ આવે છે.
NHSની વેબસાઈટ પર મૂકાયેલા પરિપત્ર અનુસાર કોવિડ મહામારીના પૂર્વ સમયગાળાની નીતિ ફરી અપનાવવાના નિર્ણય સાથે ફ્લુની 2022/23ની સીઝનમાં મફત વેક્સિન આપવાનું બંધ કરવામાં આવશે. આ નિર્ણયથી 50થી વધુ વયના 10 મિલિયન લોકોને મફત ફ્લુ વેક્સિન નહિ અપાય. મહામારી અગાઉ જોખમ ધરાવતા ૬૫થી વધુ વર્ષના, ઘણાં નાના બાળકો તથા સગર્ભા મહિલાઓ સહિતના જોખમ ગ્રૂપ્સના લોકોને જ આ સીઝનમાં મફત વેક્સિન ઓફર કરવામાં આવશે. સેકન્ડરી સ્કૂલના મફત ફ્લુ વેક્સિન મેળવવાને પાત્ર 11થી 15 વર્ષની વયનાં 4 મિલિયન બાળકોને પણ આ નિર્ણયની અસર થશે.
બીજી તરફ, ફાર્માસિસ્ટ્સે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ઘણા ફાર્માસિસ્ટ્સે લાખો ફ્લુ વેક્સિન ડોઝના ઓર્ડર્સ નોંધાવ્યા છે જે હવે રદ કરવાના થશે. જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI) તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરની સલાહ અનુસાર આ ગાઈડન્સ અપાયું છે. જોકે, JCVI ની ડિસેમ્બરની ભલામણ મુજબ 11થી 16 વર્ષના બાળકોને મફત વેક્સિન અપાવી જોઈએ.


