લંડનઃ ફેમિલી ડોક્ટર્સની અછત નિવારવા NHS દ્વારા વિદેશ કામ કરતા GPsને દેશમાં પરત ફરવા ‘રિલોકેશન સપોર્ટ’ તરીકે હજારો પાઉન્ડની ઓફર્સ કરાઈ રહી છે. આવી યોજના નિવૃત્ત થયેલા સેંકડો ફેમિલી ડોક્ટર્સ માટે પણ લાગુ કરાનાર છે. યુકેમાં ક્વોલિફાઈડ ડોક્ટર્સને નેશનલ હેલ્થ સ્કીમમાં પાછા આવવા NHS England દ્વારા ૧૮,૫૦૦ પાઉન્ડની ઓફર કરવામાં આવી છે.
સેંકડો નિવૃત્ત અને અધૂરી કારકીર્દિ સાથેના ફેમિલી ડોક્ટર્સ તેમનાં કૌશલ્યને ધાર આપી શકે તે માટે તેમને જીપી પ્રેક્ટિસમાં પ્લેસમેન્ટ સાથે માસિક ૩,૫૦૦ પાઉન્ડનું મહેનતાણું અપાશે. આ પછી તેઓ ચાર વખત ક્ષમતા મૂલ્યાંકન પરીક્ષા આપી શકશે, જે પસાર કર્યા પછી જીપીની નોકરી માટે અરજી કરી શકશે અને સરેરાશ વાર્ષિક ૭૦,૦૦૦ પાઉન્ડ સુધીનું વેતન પ્રાપ્ત કરી શકશે. ૧૮,૫૦૦ પાઉન્ડના ‘રિલોકેશન સપોર્ટ’થી ડોક્ટરને યુકે આવવાના ટ્રાન્સપોર્ટ, ઘર અને બાળકો માટે નર્સરી કે સ્કૂલની શોધખોળ તેમજ અન્ય સુવિધાના આયોજનમાં મદદ મળશે.
આશરે ૮૦૦ જીપી આ યોજનામાં સામેલ થયા છે પરંતુ, ડોક્ટરોની ભારે તંગીનો સામનો કરવાના પ્રયાસરુપે NHS દ્વારા ફરી આ યોજના લોન્ચ કરાઈ છે. અછતના કારણે ભારે વર્કલોડના પરિણામે અનુભવી જીપી NHS છોડી રહ્યા છે અને આગામી પાંચ વર્ષમાં ૧૦માંથી ચાર જીપી નિવૃત્તિ અથવા નોકરી છોડવાનું આયોજન ધરાવે છે. ઘણા યુવાન ડોક્ટરો અભ્યાસ પછી વિદેશ ચાલી જાય છે.
રીફ્રેશર સ્કીમ માટે ડોક્ટર્સ પહેલા જનરલ મેડિકલ કાઉન્સિલ જીપી રજિસ્ટરમાં નોંધાયેલા હોવા જોઈએ પરંતુ, માટે કામ કરેલું હોય તે જરૂરી નથી. આમ નિવૃત્ત ખાનગી ડોક્ટર્સ પણ તેનો લાભ લઈ શકશે. અરજદાર અરજી કર્યાના ઓછામાં ઓછાં બે વર્ષ અગાઉથી કે ૧૦ વર્ષ સુધી વિદેશમાં હોવા જોઈએ, જેમને દેશ પાછા ફરવા માટે ‘રિલોકેશન સપોર્ટ’ મળી શકે છે.


