લંડનઃ સમગ્ર બ્રિટનમાં કોરોના વાઇરસ (કોવિડ-૧૯) મહામારી વચ્ચે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના કર્મચારીઓ દ્વારા ખડેપગે ફરજ બજાવવામાં આવી રહી છે. તેવા સમયે કેટલાક વિસ્તારોમાં તેમની સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ફરજ પૂર્ણ થયા પછી આ તબીબો. નર્સ સહિતના એનએચએસ કર્મચારીઓ હોસ્પિટલથી ઘરે જતાં હોય કે ઘરેથી હોસ્પિટલ જતી વખતે રસ્તામાં કોરોના વાઇરસ ફેલાવનાર કહી તેમની સતામણી થઈ રહી છે.
આવા કેટલાક કિસ્સા સામે આવ્યા પછી સત્તાવાળાઓએ નર્સિંગ સ્ટાફને તાકિદ કરી છે કે તેઓ હોસ્પિટલથી બહાર નિકળે ત્યારે તેઓ યુનિફોર્મને બદલે અન્ય સાદા વસ્ત્રો પહેરીને નિકળે જેથી લોકોથી તેમની નર્સ તરીકેની ઓળખ છુપાવી શકાય.
જ્યાં એક તરફ એનએચએસના કર્મચારીઓ માટે સમગ્ર દેશે તાળીઓ વગાડીને અભિવાદન કર્યું ત્યાં બીજી તરફ કેટલીક હોસ્પિટલ બહાર કેટલાક તત્વોએ નર્સો અને ડોક્ટરોના ઓખળપત્રો ખેંચવા પ્રયાસ કર્યો હતો.
આ બાબતે કહેવાય છે કે એનએચએસ દ્વારા કર્મચારીઓને એક ઇમેઇલ કરીને સૂચના આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે આગળની સૂચના ના મળે ત્યાં સુધી તમામ નર્સોએ કામના સ્થળે આવતા કે કામના સ્થળેથી જતાં સમયે યુનિફોર્મ પહેરવું નહિ. હોસ્પિટલ પહોંચીને જ યુનિફોર્મ પહેરવા સૂચના અપાઈ છે. આ ઇમેલ એનએચએસ બ્લડ બેન્ક અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગની નર્સોને મોકલાયો છે.