લંડનઃ હેલ્થકેર સર્વિસીસમાં ક્લિનિકલ બેદરકારીના વિવાદો વધવા સાથે તેની પતાવટનો કાનૂની ખર્ચ પણ વધી રહ્યો છે. બેદરકારીના ક્લેઈમ્સના પતાવટ પાછળ કાનૂની બિલ પણ ૪.૩ બિલિયન પાઉન્ડ ભરવું પડે તેમ છે NHS ઈંગ્લેન્ડ દર વર્ષે વળતર માટેના નવા ૧૦,૦૦૦થી વધુ ક્લેઈમ્સનો સામનો કરે છે.
ક્લિનિકલ બેદરકારીના ક્લેઈમ્સના પતાવટ કરવા માટે કાનૂની બિલ ૪.૩ બિલિયન પાઉન્ડ થયું છે. બાકી રહેલા વળતરના દાવાઓનો કુલ ખર્ચ ગયા વર્ષ સુધી ૮૩ બિલિયન પાઉન્ડનો હતો. બીબીસી દ્વારા ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન રીક્વેસ્ટ મુજબ આ રકમમાં વર્તમાન પતાવટ નહિ કરાયેલા દાવા તેમજ ભાવિ દાવાઓના અંદાજનો સમાવેશ થાય છે. NHSને દર વર્ષે બેદરકારીના ૧૦,૦૦૦થી વધુ ક્લેઈમ્સનો સામનો કરવો પડે છે. કાનૂની સંસ્થાઓ નિષ્ણાતોનું કહેવું છે કે સુરક્ષાની નિષ્ફળતા અને પેશન્ટ્સની ચિંતા તરફ ધ્યાન નહિ આપવાના વાતાવરણમાં આ ખર્ચ વધતો જાય છે. તબીબી સત્તાવાળાઓ તરફથી યોગ્ય જવાબ ન મળવાથી કાનૂની દાવા વધતા જાય છે. બીજી તરફ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ કહે છે કે ક્લિનિકલ બેદરકારીના ખર્ચમાં અભૂતપૂર્વ દાવાઓમાં સમાધાન સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. ૨૦૧૮-૧૯માં NHS ઈંગ્લેન્ડનું કુલ બજેટ ૧૨૯ બિલિયન પાઉન્ડનું હતું.


