લંડનઃ NHS ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા અનુસાર જૂન મહિનાના અંતે રુટિન સારવાર માટે રાહ જોઈ રહેલા લોકોની સંખ્યા વધીને ૫.૪૫ મિલિયન થઈ છે. NHSના રેકોર્ડ્સની ૨૦૦૭માં શરૂઆત થયા પછી આ સૌથી વધુ આંકડો છે. કોવિડ મહામારીના સામના માટે હેલ્થ સિસ્ટમ રોકાયેલી હોવાં સાથે સામાન્ય સારવારમાં ભારે વિલંબ થતો જણાય છે.
નવા ડેટા મુજબ ૩૦૫,૦૦૦ લોકો પોતાની સારવાર શરૂ થાય તે માટે એક કરતાં વધુ વર્ષથી રાહ જોઈ રહ્યા છે. માર્ચ મહિનાના અંતે ૩૩૬,૭૩૩ પેશન્ટ્સ હતા તેમાં થોડો ઘટાડો થયો છે. બીજી તરફ, ૧૮ મહિનાથી વધુ સમયથી રાહ જોતાં લોકોની સંખ્યા લગભગ ૨૫,૦૦૦ના ઘટાડા સાથે ૧.૭ મિલિયનથી થોડી વધુ છે. આશરે ૩૦૬,૦૦૦ લોકો MRI સ્કેન્સ અને ગેસ્ટ્રોસ્કોપીઝ જેવા મહત્ત્વના ડાયગ્નોસ્ટિક પરીક્ષણો માટે ૬ સપ્તાહ કરતાં વધુ સમય સુધી રાહ જોઈ રહ્યા છે.
જનરલ પ્રેક્ટિશનર્સ દ્વારા જૂન મહિનામાં કરાયેલા કેન્સરના અરજન્ટ રેફરન્સની સંખ્યા વધીને ૨૩૦,૧૧૦ થઈ છે જે ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ લગભગ ૫૦ ટકા વધુ છે. NHS ટીમ્સ સર્વિસીસ અને સારસંભાળના ભારે પડકારને વ્યવસ્થિત કરવા જોરદાર પ્રયાસ કરી રહેલ છે.